કલ્યાણ સિંહના પાર્થિવ-દેહ પર તિરંગાની ઉપર ભાજપના ઝંડાથી વિવાદ

લખનઉઃ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપ નેતા કલ્યાણ સિંહનું નિધન શનિવારે 89 વર્ષની વયે નિધન થયું છે. જોકે કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપવા દરમ્યાન એક ફોટા પર વિવાદ ઊભો થયો છે. કલ્યાણ સિંહના અંતિમ દર્શન માટે રાખેલા તેમના પાર્થિવ દેહ પર તિરંગાની ઉપર ભાજપનો ઝંડો રાખવાનો ફોટો ટ્વીટ કરવામાં આવ્યો હતો. જે મુદ્દે કેટલાક વિરોધ પક્ષોએ એને તિરંગાનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસ નેતા અને સંસદસભ્ય શશિ થરુરએ આને લઈને સવાલો ઉઠાવ્યા છે તો સપાએ એને રાષ્ટ્રીય ઝંડાનું અપમાન ગણાવ્યું છે. TMC સંસદસભ્યે પૂછ્યું હતું કે તિરંગાનું અપમાન કરવું, માતૃભૂમિનું સન્માન કરવાનો નવો પ્રકાર છે.

તેમના નિધન પર બધી પાર્ટીઓના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રવિવારે કલ્યાણ સિંહનાં અંતિમ દર્શન માટે લખનઉસ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે કલ્યાણ સિંહે નામને સાર્થક કર્યું છે અને જીવનભરના લોકો માટે કામ કરતા જનકલ્યાણ કાર્યો હંમેશાં પ્રાથમિકતા આપી છે. કલ્યાણ સિંહ જનસામાન્ય માટે પ્રેરણાનું પ્રતીક બન્યા છે.

કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપ દ્વારા એક ફોટો ટ્વીટ કરવામાં આવ્યો હતો, જેને લઈને વિવાદ થયો હતો, જેમાં કલ્યાણ સિંહના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો અને એ તિરંગા ઉપર ભાજપનો ઝંડો ઢાંકેલો હતો. જેથી યૂથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ લખ્યું હતું કે શું નવા ભારતમાં ભારતીય ઝંડાની ઉપર પાર્ટીનો ઝંડો રાખવો ઉચિત છે?

આ વિવાદ મુદ્દે વિવિધ પાર્ટીના નેતાઓએ ટ્વીટ કર્યા હતા.