કોંગ્રેસે એક્ઝિટ પોલ્સના તારણને ફગાવી દીધા; 2004ના પરિણામોનાં પુનરાવર્તનની આશા રાખે છે

0
1440

નવી દિલ્હી – 2019ની લોકસભા ચૂંટણી માટે ગઈ કાલે રિલીઝ કરાયેલા એક્ઝિટ પોલ્સના તારણોમાં શાસક ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપને જંગી વિજયની આગાહી કરવામાં આવી છે, પરંતુ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્રઢપણે માને છે કે 23 મેએ જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે દેશને આશ્ચર્ય થશે.

કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ગૌડા

કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ગૌડાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહેરબાની કરીને 23 મે સુધી રાહ જુઓ. અમે તમને આશ્ચર્ય આપીશું. આખા વોટ શેરને સીટ શેરમાં પરિવર્તિત કરવો એ બહુ કઠિન કામગીરી હોય છે. દેશમાં માનસિક ભયનું વાતાવરણ પણ ફેલાયું છે અને લોકો એમનાં મંતવ્ય જાહેરમાં વ્યક્ત કરતા નથી.

ઘણા બધા એક્ઝિટ પોલ્સની આગાહી છે કે એનડીએને 300થી વધારે બેઠક મળશે અને ભાજપની આગેવાની હેઠળ એનડીએની સતત બીજી વાર સરકાર રચાશે.

એક્ઝિટ પોલ્સનાં ગઈ કાલનાં તારણોને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન, તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા બીજેપી સરકારની નીતિઓનાં કટ્ટર વિરોધી મમતા બેનરજીએ પણ નકારી કાઢ્યાં છે. એમણે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) સાથે ચેડાં કરીને ચૂંટણીનાં પરિણામો પર પ્રભાવ ઉભો કરવા માગે છે. એમનો ગેમપ્લાન એક્ઝિટ પોલ્સ પ્રકારની ગોસિપ મારફત હજારો ઈવીએમમાં ચેડાં કરવાનો અથવા એ બદલી નાખવાનો છે.