ચંડીગઢઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ પંજાબમાં નવા મુખ્ય પ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીને પસંદ કર્યા છે. અપમાનિત થયાની લાગણી અનુભવ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે મુખ્ય પ્રધાન પદેથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે આજે ચન્નીને પસંદ કર્યા છે. પંજાબમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચન્નીને આજે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા.
અગાઉ, આ પદ માટે જેમનું નામ મોખરે હતું તે અંબિકા સોનીએ પદ સ્વીકારવાની પાર્ટીને ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ પદ પર કોઈ શીખને જ નિયુક્ત કરવા જોઈએ. ચરણજીતસિંહ ચન્ની અગાઉની અમરિન્દરસિંહની સરકારમાં ટેક્નિકલ શિક્ષણ પ્રધાન હતા. સરકારમાં એ ‘દલિત ચહેરો’ હતા. ચન્ની અગાઉ એક વિવાદમાં સપડાયા હતા. 2018માં, એક મહિલા આઈએએસ અધિકારીએ એવો આરોપ મૂક્યો હતો કે ચન્નીએ એમને ‘અયોગ્ય’ ટેક્સ્ટ મેસેજીસ મોકલ્યા હતા.