દિવાળીમાં બાળકોનું વેકેશન, ઉપરાંત એકાદશીનું વ્રત પણ ખરું! ત્યારે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકાય! જેનું નામ લેતાં જ બાળકો તો ખુશ થઈ જ જશે! અને હા, આ ફરાળી ફ્રાઈસ બનાવવા સહેલા પણ છે!

સામગ્રીઃ
- સાબુદાણા 2 કપ
- બાફેલાં બટેટા 4-5
- આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ ટે.સ્પૂન અથવા 2-3 લીલા મરચાં ગોળ સમારેલાં
- શેકેલી શીંગનો ભૂકો અડધો કપ
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- ખાંડ ¼ ટી.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
- ધોઈને સમારેલી કોથમીર 1 કપ
- તેલ તળવા માટે
- સિંધવ મીઠું સ્વાદ મુજબ
રીતઃ સાબુદાણાને 2-3 પાણીએથી ધોઈને એક છીછરા વાસણમાં ડૂબતા પલાળો. (2 કપ સાબુદાણામાં 1 કપ જેટલું પાણી ઉમેરવું.) આ સાબુદાણા 4 કલાક માટે પલાળો.
ત્યારબાદ એક વાસણમાં પલળેલા સાબુદાણા લઈ, તેમાં બાફેલા બટેટાને છૂંદીને ઉમેરો. સાથે સ્વાદ મુજબ સિંધવ મીઠું, અધકચરી વાટેલી આદુ-મરચાંની પેસ્ટ, શીંગનો ભૂકો, જીરુ, કાળા મરી પાઉડર, લીંબુનો રસ, ખાંડ તેમજ સમારેલી કોથમીર મેળવીને આ મિશ્રણને હાથેથી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણમાંથી ગોળા લઈ તેને બંને હાથમાં રોલ વાળીને લાંબી સ્ટીક બનાવી લો.
બધી સ્ટીક તૈયાર થાય એટલે તેલ ગરમ કરીને તેમાં ફરાળી ફ્રાઈસ કઢાઈમાં આવે તે કરતાં થોડી ઓછી ઉમેરીને ગેસની મધ્યમ આંચે સોનેરી રંગની તળી લો. (સાબુદાણાને લીધે આ ફ્રાઈસ થોડી ફુલશે તેથી કઢાઈમાં આવે તે કરતાં થોડી ઓછી ઉમેરીને તળવી)
બાળકોને આ ફ્રાઈસ ટોમેટો કેચ-અપ સાથે આપી શકાય.



