આ ઠંડી ઠંડી જ્યુસી બ્રેડ બરફી ગરમીના દિવસોમાં બાળકોને ઘણી ભાવશે!
સામગ્રીઃ સાકર ½ કપ, કેસરી અથવા પીળા રંગનો ફુડ કલર, દૂધની તાજી મલાઈ અથવા રેડીમેડ ક્રીમ 3 ટે.સ્પૂન, મિલ્ક પાઉડર 3 ટે.સ્પૂન, કાજુ-બદામના નાના ટુકડા 2 ટે.સ્પૂન,ક બ્રેડ સ્લાઈસ 6-7, નાળિયેરનું છીણ 1 કપ, સૂકા મેવાની કાતરી સજાવટ માટે
રીતઃ એક વાસણમાં અડધો કપ સાકર લઈ તેમાં તે જ માપ પ્રમાણે એટલે કે, અડધો કપ પાણી મેળવીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. જેવી તેમાંની સાકર ઓગળી જાય એટલે તેમાં ફુડ કલર 3-4 ટીપાં મેળવી દો. આ સાકરવાળું પાણી 2 આંગળીમાં લેતાં ચિપચિપું અને સહેજ ઘટ્ટ થઈ જાય (તારવાળી ચાસણી નથી બનાવવાની) એટલે ગેસ બંધ કરી દો.
દૂધની તાજી મલાઈ 2-3 દિવસની કાઢીને ફ્રીઝરમાં સ્ટોર કરી રાખવી. બનાવતી વખતે મલાઈને એક બાઉલમાં લઈ તેને ચમચી વડે હલાવીને સ્મૂધ કરી લેવી. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને નાળિયેરનું છીણ 2 ચમચી તેમજ કાજુ-બદામના ટુકડા ઉમેરીને ચમચી વડે મિક્સ કરી લેવું.
બ્રેડની 2-3 સ્લાઈસ એકની ઉપર એક ગોઠવીને તેની કિનારી ચપ્પૂ વડે કટ કરી લેવી. અને બ્રેડના ચાર પીસ કરી લેવા. આ રીતે બાકીની બ્રેડ પણ કટ કરી લેવી.
હવે બ્રેડનો એક ચોરસ ટુકડો લઈ તેની ઉપર એક ચમચી વડે મલાઈવાળું પૂરણ સરખું ગોઠવી દેવું. તેની ઉપર બ્રેડનો બીજો ટુકડો ગોઠવી ફરીથી મલાઈનું પૂરણ લગાડીને ઉપર બ્રેડનો હજુ બીજો ટુકડો લગાડી લેવો. એકંદરે 3 ટુકડા બ્રેડના વપરાશે.
બધી બ્રેડના આ રીતે પીસ તૈયાર કરી લીધા બાદ દરેક ટુકડાને સાકરના પાણીમાં પલાળીને બે આંગળી વડે તેને હળવેથી પ્રેશ કરીને સાકરનું પાણી થોડું નિતારીને આ ટુકડાને નાળિયેરના છીણમાં રગદોળી લઈને એક પ્લેટમાં મૂકી દો. ઉપરથી સૂકા મેવાની કાતરી સજાવી દો. આ જ રીતે બધાં પીસ તૈયાર થાય એટલે પ્લેટને ફ્રીજમાં એક-બે કલાક સેટ કરવા મૂકી દો. આ મીઠાઈને એરટાઈટ ડબ્બામાં મૂકીને ફ્રીજમાં 2-3 દિવસ માટે સ્ટોર કરી શકાય છે.





