કોલકાતાઃ પશ્ચિમ બંગાળ માટે આજે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભાજપના પ્રથમ અને રાજ્યના નવમા મુખ્ય મંત્રી તરીકે સુવેન્દુ અધિકારી આજે શપથ લેશે. આ ભવ્ય શપથવિધિ સમારોહમાં PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપ શાસિત 21 રાજ્યોના મુખ્ય મંત્રીઓ હાજર રહેશે. ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે કોલકાતામાં જાહેરાત કરી હતી કે સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રી બનશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતી છે. શાહે સુવેન્દુ અધિકારીના નામની જાહેરાત કરતાં કહ્યું હતું કે ભાજપના પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્યોની બેઠક અહીં યોજવામાં આવી હતી. આ બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે મને અને મોહન ચરણ માંઝીને કેન્દ્ર તરફથી નિરીક્ષક તરીકે મોકલ્યા હતા.
તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થઈ છે. લગભગ આઠ પ્રસ્તાવો અને સમર્થન મળ્યા હતા અને બધા જ એક જ નામના હતા. બીજા કોઈ નામ માટે પણ સમય આપવામાં આવ્યો હતો, પરંતુ બીજું કોઈ નામ સામે આવ્યું નહીં. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય નિરીક્ષક તરીકે હું સુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનમંડળ દળના નેતા તરીકે ચૂંટાયેલા જાહેર કરું છું. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસના ગઢને તોડી સત્તા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું કે હું બંગાળની મહિલાઓ માટે ખૂબ ખુશ છું, જેમણે છેલ્લાં 15 વર્ષથી TMCના શાસનમાં અત્યાચાર સહન કર્યો. હવે બંગાળની જનતાએ ‘સોનાર બાંગ્લા’ માટે મત આપ્યો છે. આજની આ સવાર એવા બંગાળ માટે છે જ્યાં વિકાસ હશે અને વિશ્વાસ હશે.
A historic dawn for West Bengal indeed.
It is a moment of profound pride and jubilation to welcome Visionary Leader Hon’ble PM Shri @narendramodi Ji to the City of Joy.
Today, as we witness the Swearing-in-Ceremony of the first-ever BJP Government in West Bengal since… pic.twitter.com/XCuJxwPBw3— Suvendu Adhikari (@SuvenduWB) May 9, 2026
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે પશ્ચિમ બંગાળ માટે આ ખરેખર ઐતિહાસિક સવાર છે. દૂરદર્શી નેતા અને માનનીય વડા પ્રધાન મોદીનું આનંદના શહેરમાં સ્વાગત કરવું ગૌરવ અને આનંદની ક્ષણ છે. સ્વતંત્રતા પછી પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના શપથવિધિ સમારોહના સાક્ષી બનીને અમે અમારા સ્થાપક સભ્યોનાં સપનાંઓને સાકાર કરી રહ્યા છીએ. આજે દાયકાઓના કુશાસનનો અંત અને વિકાસ, શાંતિ તથા સમૃદ્ધિના ‘ડબલ એન્જિન’ યુગની શરૂઆત છે. ‘સોનાર બાંગ્લા’ યુગનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. વડા પ્રધાનજી, આપનું સ્વાગત છે.

