નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) હરિયાણાના સોનીપતના કોંગ્રેસી વિધાનસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ કરી છે. તેમના પર યમુનાનગર ક્ષેત્રમાં મોટા પાયે ગેરકાયદે ખનન કરવાનો આરોપ છે. આ મામલો યમુનાનગર ક્ષેત્રમાં સિન્ડિકેટ દ્વારા આશરે રૂ. 400-500 કરોડના ગેરકાયદે ખનનથી સંબંધિત છે.
EDએ હરિયાણાના ધારાસભ્ય અને તેમના સહયોગીના ઘરે દરોડા પાડી પૂછપરછ માટે ધરપકડ કરી હતી. અગાઉ જાન્યુઆરીમાં EDએ સોનીપતમાં સુરેન્દ્ર પંવાર MLA દિલબાગ સિંહ અને તેના સહયોગીઓને ત્યાં 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED આ મામલે પહેલાં દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહની ધરપકડ કરી ચૂકી છે.
આ મની લોન્ડરિંગનો કેસ હરિયાણા પોલીસની અનેક FIR બાદ પ્રકાશમાં આવ્યો છે. એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યમુનાનગર અને તેની આસપાસના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભાડા કરાર સમાપ્ત થવા પર અને કોર્ટનો આદેશ હોવા છતાં પથ્થર, કાંકરી અને રેતીની કથિત રીતે ગેરકાયદે ખનન ચાલુ રાખતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જુલાઈ, 2022માં પંવારે પોતાના પરિવારની સુરક્ષા પર જોખમો સહિત વ્યક્તિગત કારણોનો હવાલો આપતાં વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને રાજીનામું સોંપ્યું હતું. ત્યાર બાદ રાજીનામું પરત લેતાં નિવેદન આપ્યું હતું કે મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, પરંતુ તમે મને આશ્વાસન આપ્યું છે કે અમે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરીશું. આથી હું મારું રાજીનામું પરત લઈ રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.