કશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું; પહલગામમાં માઈનસ 4.3 ડિગ્રી તાપમાન

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ કશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ખીણવિસ્તારના ઘણા ખરા ભાગોમાં તાપમાન થીજાવી દે એવા પોઈન્ટ સુધી નીચે જતું રહ્યું છે. દક્ષિણ ભાગમાં આવેલા અનંતનાગ જિલ્લાના પહલગામમાં માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ જ નગર વાર્ષિક અમરનાથ યાત્રા વખતે બેઝ કેમ્પ બનતું હોય છે.

પહલગામમાં ગઈ કાલની રાત આ મોસમમાં અત્યાર સુધીમાં સૌથી ઠંડી રહી હતી. બારામુલ્લા જિલ્લાના ગુલવર્ગમાં માઈનસ 2.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જ્યારે શ્રીનગરમાં ઉષ્ણતામાનનો પારો ઝીરોથી પણ નીચે, માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી ગયો હતો. કાઝીગુંદમાં માઈનસ 1.6 ડિગ્રી ઠંડીનો અનુભવ કરાયો હતો. હવામાન વિભાગનું અનુમાન છે કે કશ્મીર ખીણવિસ્તારમાં વાતાવરણ આંશિક રીતે વાદળછાયું રહેશે.