બેન્કોએ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 10 લાખ કરોડથી વધુ રાઇટઓફ કર્યા

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોએ રૂ. 10.6 લાખ કરોડની લોન રાઇટ ઓફ (માંડવાળ) કરી દીધા છે. આ રકમમાંથી 50 ટકા મોટી કંપનીઓની લોન છે. સરકારે હાલમાં એ વિશેની માહિતી આપી છે કે દેશની બધી શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોએ આ વર્ષ માર્ચમાં પૂરાં થયેલાં પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 10.6 લાખ કરોડ શંકાસ્પદ લોન ખાતામાં નાખી દીધા છે.

આશરે 2300 કંપનીઓએ બેન્કોને રૂ. પાંચ કરોડથી વધુનાં લેણાં નથી ચૂકવ્યાં. કંપનીઓની આ રકમ આશરે રૂ. બે લાખ કરોડ થવા જાય છે. રિઝર્વ બેન્કની ગાઇડલાઇન્સ અને પોલિસી મુજબ બેન્કોએ આ રકમ NPA કેટેગરીમાં નાખી દીધી છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ બેન્કો બેલેન્સશીટમાંથી વગર વસૂલાતવાળાં લેણાંની રકમને દૂર કરી દે છે અને એને રાઇટ ઓફ કરવું કહે છે. જોકે લોન રાઇટ ઓફ કર્યા પછી પણ લેણાંની વસૂલીની પ્રક્રિયા જારી રહે છે.

નાણાં રાજ્ય મંત્રી ભગવત કરાડે લોકસભામાં કહ્યું હતું કે દેશની શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લોન લેનારા લોકો વિશે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોને રિપોર્ટ કરે છે. જે વેપારીએ રૂ. પાંચ કરોડથી વધીની લોન લીધી છે અને એ લોનની ચુકવણી નથી કરી તો તેની માહિતી સરકાર સુધી પહોંચી જાય છે.

31 માર્ચ, 2023 સુધી 2623 લોનધારકોને વિલફુલ ડિફોલ્ટર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમની પાસે રૂ. 1.96 લાખ કરોડની ઉધારી બાકી છે. કરાડે કહ્યું હતું કે વિલફુલ ડિફોલ્ટર્સની વિરુદ્ધ અનેક પ્રકારથી રિકવરીની પ્રક્રિયા જારી રહે છે. એમાં સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવાની સાથે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા લોન વસૂલી કરવાના પ્રયાસ કરવામાં આવે છે.