વર્ષ 2022માં હત્યાના કેસોમાં મામૂલી ઘટાડો નોંધાયોઃ NCRB

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં હત્યાઓના મામલાઓમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે હત્યાની 27,522 FIR નોંધવામાં આવી, જે અનુસાર પ્રતિદિન 76 હત્યાઓ થઈ હતી, જે વર્ષ 2021માં કુલ હત્યા 29,272 FIRની તુલનાએ ઘટી હતી, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે.

આ અહેવાલમાં ગુનાઓ પાછળના પ્રાથમિક ઉદ્દેશોની ઓળખ પણ કરવામાં આવી હતી. ઝઘડા કે વિવાદમાં કુલ 9962 હત્યાઓ થઈ હતી. ત્યાર બાદ વ્યક્તિગત વિરોધ કે દુશ્મનાવટને લીધે (3761) અને હત્યા થકી લાભ માટે (1884)ના કેસ નોંધાયા હતા. ડેટા કહે છે કે હત્યાના 95.4 ટકા પીડિતો વયસ્કો હતા, જેમાંથી આશરે 70 ટકા પુરુષો હતા. આ પીડિતોમાં 8125 મહિલાઓ અને નવ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સામેલ હતી.

મેટ્રોપોલિયન શહેરોમાં હત્યાના કેસોમાં 3.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 2022માં 2031 સુધી પહોંચ્યો હતો. પ્રતિ લાખ વસતિ પર ગુનાનો દર 2.1 ટકા રહ્યો તો આવા કેસોમાં ચાર્જશીટ નોંધવાનો દર 81.5 ટકા રહ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 3491 FIR નોંધવામાં આવી હતી, જ્યારે બિહારમાં (2930), મહારાષ્ટ્રમાં (2295), મધ્ય પ્રદેશમાં 1978 અને રાજસ્થાનમાં 1834 FIR નોંધવામાં આવી હતી. આ પાંચ રાજ્યોમાં કુલ મળીને દેશમાં હત્યાના 43.92 ટકા કેસ હતા. જ્યારે એનાથી વિપરીત 2022માં સિક્કિમમાં (નવ) નાગાલેન્ડમાં (21), મિઝોરમમાં (31) ગોવામાં (44) અને મણિપુરમાં (47)માં  હત્યાના સૌથી ઓછા નોંધાયા હતા.

દિલ્હીમાં 2022માં હત્યાના 509 કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ જમ્મુ અને કાશ્મીરમાં (99) પુડુચેરી (30)માં, ચંડીગઢમાં (18), દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં (16), આંદામાન અને નિકોબાર દ્વીપમાં (સાત), લદ્દાખમાં (પાંચ) હત્યાના કેસ નોંધાયા હતા, એમ NCRBનો અહેવાલ કહે છે.