રાહુલ ગાંધી અમેઠીથી પણ ચૂંટણી લડે એવી શક્યતા

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. જોકે તેમના અમેઠીથી ચૂંટણી લડવાની સત્તાવાર ઘોષણા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. તેઓ શુક્રવારે અમેઠી પહોંચીને નામાંકન ભરશે. આ સીટ પર તેમનો મુકાબલો ફરી એક વાર કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાની સાથે થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ અમેઠીની સીટ પર સ્મૃતિ ઇરાનીથી હારી ગયા હતા.

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવાને લઈને અત્યાર સુધી સસ્પેન્સ હતું, પણ હવે તેઓ આ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાથી અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. કોંગ્રેસ નેતા કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ સીટ પર બીજા તબક્કામાં 26 એપ્રિલો મતદાન થયું હતું. અમેઠીમાં નામાંકનની અંતિમ તારીખ ત્રીજી મે છે. અહીં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે. અમેઠીમાં હવે સ્મૃતિ ઇરાની પર જીત બેવડાવવાનું દબાણ હશે તો રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી જીતીને પરંપરાગત સીટ પર ફરીથી કબજો કરવા ઇચ્છશે.

અમેઠી સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. રાહુલ આ સીટ પર 2004, 2009 અને 2014માં ચૂંટણી જીતી ચૂક્યા છે. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ઇરાનીએ આશરે 55,000 મતોથી હરાવ્યા હતા. 2019માં તેઓ વાયનાડ સીટથી પણ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. હવે તેઓ વાયનાડથી ઉમેદવાર બન્યા તો ભાજપ તેમના પર હુમલો કરે છે અને અમેઠીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે.