મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર સુધી CM બદલાઈ જશે?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. રાજ્યમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં જે કંઈ ચાલી રહ્યું છે, એ યોગ્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર વધુ સમય સુધી નહીં ચાલે.

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યમાં મુખ્ય પ્રધાનની ખુરશી જોખમમાં છે. હું કહી શકું છું કે સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના CM બદલાઈ જશે. ભાજપ, મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળા NCP જૂથ રાજ્ય સરકારમાં સત્તારૂઢ ભાગીદાર છે. અજિત પવાર પાછલા મહિને શરદ પવાર દ્વારા સ્થાપિત NCPથી અલગ થયા હતા અને સરકારમાં સામેલ થઈ ગયા છે.

પાછલા મહિને સત્તારૂઢ પક્ષની સાથે હાથ મિલાવ્યા પછી અજિત પવાર બીજા ડેપ્યુટી CM બન્યા હતા, જ્યારે તેમની પાર્ટીના આઠ સહયોગીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પણ ડેપ્યુટી CM છે.

જૂન, 2022માં શિંદે દ્વારા વિદ્રોહ કરીને શિવસેનાને વિભાજિત કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ શિંદેએ ટોચના પદ પર કબજો જમાવવા માટે ભાજપની સાથે ગઠબંધન કરી લીધું હતું.