જુનિયર ડોક્ટર્સને મનાવવા પહોંચ્યાં CM મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજી કોલકાતામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. તેમણે ડોક્ટરોને જલદી કામ પર પરત ફરવાની અપીલ કરી હતી. એ સાથે તેમણે એ પણ આશ્વાસન આપ્યું હતું કે સરકાર પ્રદર્શનમાં સામેલ ડોક્ટરો પર કોઈ કાર્યવાહી નહીં કરે. જોકે રાજ્યમાં આરોગ્યની સેવાઓ કથળી છે, જેથી 29 લોકોનાં મોત થયાં છે.

તેમણે કહ્યું હતું કે  હું તમારી પીડા સમજું છું, તેથી જ હું તમારી સાથે છું. મને મારા પદની ચિંતા નથી. મેં મારા વિદ્યાર્થી જીવનમાં પણ ઘણાં આંદોલન કર્યા છે. અમે તમારી સુરક્ષા વિશે ચિંતિત છીએ.

CM મમતા સાથે DGP રાજીવ કુમાર પણ હાજર હતા. તેમણે જુનિયર ડોકટરોને તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવા વિનંતી કરી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તમે લોકો કામ પર પાછા ફરો છો, તો હું વચન આપું છું કે તમારી બધી માગ પર હું સહાનુભૂતિપૂર્વક વિચાર કરીશ. દરેક સાથે વાતચીત થશે અને ગુનેગારોને સજા આપવામાં આવશે. CMએ કહ્યું કે હું CBIને ગુનેગારોને ફાંસીની સજા આપવાની માગ કરું છું.

બીજી બાજુ, વિરોધ કરી રહેલા ડોકટરોમાંના એક અનિકેત મહતોએ સમાચાર એજન્સી PTIને કહ્યું હતું કે જ્યાં સુધી મૃતકને ન્યાય નહીં મળે અને અમારી અન્ય માગ પૂરી ન થાય, ત્યાં સુધી વરસાદ, ગરમી, ભૂકંપ પણ અમારો વિરોધ રોકી શકશે નહીં. અમે અહીં એક ઉમદા હેતુ માટે આવ્યા છીએ અને તેને હાંસલ કરવાથી કોઈ શક્તિ રોકી શકશે નહીં.

સૌમ્યા ચક્રવર્તી નામના અન્ય એક ડોક્ટરે કહ્યું હતું કે જો કોઈ એવું વિચારે છે કે અમે અડિયલ અને જિદ્દી છીએ તો તે બિલકુલ ખોટું છે, તેમના મગજમાં ચોક્કસ કંઈક ચાલી રહ્યું છે. અમે ડોક્ટર છીએ, રાજકારણીઓ નથી. અહીં કોઈ રાજકારણ નથી. આ માત્ર આરોગ્ય તંત્રમાં સફાઈ કરવાની માગ છે.