અમેરિકાની નવી શાંતિ યોજના પર શું ઝેલેન્સકી કરશે હસ્તાક્ષર?

કિવ: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે જીનીવામાં યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તૈયાર કરાયેલ શાંતિ યોજનાને વધુ સારી રીતે વિકસાવવામાં આવી શકે છે. મંગળવારે એક સંબોધનમાં, ઝેલેન્સકીએ કહ્યું કે તેમણે યુક્રેનની વાટાઘાટ ટીમ સાથે આ યોજનાની ચર્ચા કરી છે. “આ દસ્તાવેજમાં આપેલા સિદ્ધાંતોનો વધુ અભ્યાસ કરીને ઊંડા કરારોમાં વિકસાવવામાં આવી શકે છે. બધાના હિતમાં રહેલી એક મહત્વની વાત એ છે કે દરેક વ્યક્તિની સુરક્ષા જરૂરી છે.” સિન્હુઆ સમાચાર એજન્સીએ આપેલા અહેવાલ અનુસાર તેમણે યુએસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સતત સક્રિય સહયોગની આશા પણ વ્યક્ત કરી છે. ઇન્ટરફેક્સ-યુક્રેન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, દિવસની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા એન્ડ્રી યર્માકે જણાવ્યું હતું કે ઝેલેન્સકી યુક્રેન કટોકટીને સમાપ્ત કરવા માટેની શરતો પર સંયુક્ત કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ટ્રમ્પ સાથે મળવા માગે છે.

યુક્રેનિયન અને યુએસ વાટાઘાટકારોએ યુએસ દ્વારા પ્રસ્તાવિત શાંતિ યોજનાના મોટાભાગના પાસાઓ પર સૈદ્ધાંતિક રીતે સંમતિ સધાઈ છે, એમ યર્માકે જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે દસ્તાવેજમાં મૂળ 28-પોઇન્ટ યુએસ પ્રસ્તાવથી નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો હતો. જો કે, ઝેલેન્સકી ટ્રમ્પ સાથે સીધા પ્રાદેશિક મુદ્દાઓ પર વાટાઘાટો કરવાની આશા રાખે છે.

અગાઉ રવિવારે, યુનાઇટેડ સ્ટેટ્સ, યુક્રેન અને યુરોપિયન દેશોના પ્રતિનિધિઓ જીનીવામાં મળ્યા હતા કારણ કે વ્હાઇટ હાઉસે 28-પોઇન્ટ યોજના પર કરાર માટે દબાણ કર્યું હતું. યુક્રેનિયન પ્રતિનિધિમંડળ અને બ્રિટન, ફ્રાન્સ તેમજ જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની બેઠક બાદ, યુક્રેનિયન પક્ષે યુએસ પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.

એવો અહેવાલ છે કે રવિવારની જીનીવામાં યોજાયેલી બેઠકમાં યુએસ તરફથી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, મધ્ય પૂર્વના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલ હાજર રહ્યા હતા. જ્યારે બીજી તરફ ઝેલેન્સકીના ઓફિસ ચીફ એન્ડ્રી યર્માકે યુક્રેનિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. રવિવારે રાત્રે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, જીનીવામાં યુએસ પ્રતિનિધિઓ અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની વાટાઘાટોમાં “સ્થિતિને સંરેખિત કરવા તરફ અર્થપૂર્ણ પ્રગતિ” થઈ હતી.