CM મમતા બેનરજીએ ડોક્ટરોની 90 ટકા માગ માની

કોલકાતાઃ પ્રદર્શનકારી ડોક્ટરોની સાથે ઉચ્ચ સ્તરીય વાત કર્યા પછી પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ કહ્યું હતું કે તેમણે રાજ્ય બે આરોગ્ય અધિકારીઓ અને કોલકાતાના પોલીસ કમિશનરની સાથે-સાથે એક અન્ય પોલીસ અધિકારીએ હટાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે તેમની ચાર માગ છે. તેમની પ્રથમ માગ એ હતી કે તેમણે આરોગ્ય સચિવ સહિત ત્રણ નામ જાહેર કરવાં જોઈએ. અમે DME અને DHSને તેમની માગ મુજબ હટાવવાનો નિર્ણય લીધો છે.

તેમણે CP વિનીત ગોયલને હટાવવાની પણ માગ કરી હતી. અમે આ માટે સહમત થયા છીએ અને મંગળવારે સાંજે 4 વાગ્યા પછી તેમને હટાવવાનો નિર્ણય લીધો છે અને વિનીત ગોયલ તેમની જવાબદારી નવા CPને સોંપશે. અમે નોર્થ DCને પણ હટાવવાનો નિર્ણય લીધો છે. CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે અન્ય કોઈ મુદ્દાના કિસ્સામાં મુખ્ય સચિવની નીચે એક સમિતિની રચના કરવામાં આવી છે. ડોક્ટર્સ ભવિષ્યમાં મુખ્ય સચિવ સમક્ષ કોઈ પણ મુદ્દો ઉઠાવી શકે છે. આ ઉપરાંત ડોકટરોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે.

આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે હું કંઈ બોલી રહી નથી. તેમણે જે પણ માગ કરી હતી. એમાંની ચાર માગમાંથી ત્રણ માગ અમે સ્વીકારી છે. અમે તેમને કામમાં જોડાવા માટે અપીલ કરી છે, જેથી સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સામાન્ય લોકોનાં વધુ મોત ન થવાં જોઈએ. આજકાલ આપણે રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમે દેશભરમાં અસરગ્રસ્ત તમામ મહિલાઓ માટે ન્યાય ઇચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.જોકે આંદોલનકારી ટ્રેની ડોક્ટરોએ CM મમતા બેનરજી સાથે મુલાકાત કર્યા પછી માગ પૂરી થવા સુધી કામ બંધ અને પ્રદર્શન જારી રાખવાની જીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે હટાવવામાં આવ્યા એ અમારી નૈતિક જીત છે.