INX મિડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડના ભણકારાઃ CBI, ED અધિકારીઓ એમને શોધી રહ્યા છે

નવી દિલ્હી – ભ્રષ્ટાચારને લગતા એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમની આગોતરા જામીન માટેની અરજીને આજે નકારી કાઢી છે. એને પગલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓની એક ટીમ આજે સાંજે અત્રે એમના નિવાસસ્થાને પહોંચી હતી, પણ ચિદમ્બરમ ત્યાં નહોતા. ચિદમ્બરમનો મોબાઈલ ફોન પણ સ્વિચ્ડ ઓફ છે.

સીબીઆઈ અને ઈડી એજન્સીઓની ટૂકડીઓ વારાફરતી ચિદમ્બરમના નિવાસે પહોંચી હતી, પણ ચિદમ્બરમ એમને ત્યાં મળ્યા નહોતા. સીબીઆઈ ટીમ સાંજે લગભગ 6.30 વાગ્યે પહોંચી હતી અને ચિદમ્બરમ ન મળતાં દસ મિનિટમાં ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી.

ઈડી એજન્સીના અધિકારીઓની ટીમ ત્યારબાદ સાંજે લગભગ 7.30 વાગ્યે ચિદમ્બરમના ઘેર પહોંચી હતી.

અગાઉ સવારે, દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી. પોતાની ધરપકડ થશે એવા ડરને કારણે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને પોતાને ધરપકડ સામે રક્ષણ આપવા માટે તાકીદે સુનાવણી કરવાની અરજી કરી હતી.

સીબીઆઈ આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમ સામે તપાસ કરી રહી છે. આ કેસમાં ચિદમ્બરમ આરોપી છે. ઉક્ત મિડિયા હાઉસને FIPB મંજૂરી આપવામાં કથિત ગેરરીતિ આચરવાને લગતો આ કેસ છે. તે 2017ની 15 મેએ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે INX મિડિયા ગ્રુપને 2007માં રૂ. 305 કરોડનું ભંડોળ વિદેશમાંથી મેળવવા માટે એ વખતના નાણાં પ્રધાન ચિદમ્બરમે મંજૂરી આપી હતી. એ માટે એમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.

બીજી બાજુ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ 2018ની સાલમાં એણે નોંધેલા મની લોન્ડ્રિંગને લગતા એક કેસમાં ચિદમ્બરમ સામે તપાસ કરી રહી છે.