નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા સપ્ટેમ્બરથી લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં અને તે પાછા ખેંચી લેવામાં આવે તેવી માગણી સાથે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના જુદા જુદા સીમાંત વિસ્તારોમાં ખેડૂતોનાં શાંત આંદોલન-ધરણાનો આજે 40મો દિવસ છે. સરકાર આ કાયદા પાછા ખેંચવા માગતી નથી. મડાગાંઠ ઉકેલવા માટે બંને પક્ષ વચ્ચે મંત્રણાઓ થઈ રહી છે. ખેડૂત સંગઠનના આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે મંત્રણાનો આજે બપોરે સાતમો દોર યોજાશે. મંત્રણામાં સરકાર વતી કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન સોમ પ્રકાશ ભાગ લેશે. ગયા શનિવારથી પડી રહેલા વરસાદ અને કાતિલ ઠંડીને કારણે આંદોલનકારી ખેડૂતો ખૂબ તકલીફ ભોગવી રહ્યાં છે. આંદોલનકારીઓમાં ઘણા વૃદ્ધ પુરુષ-મહિલા ખેડૂતો પણ છે. ખેડૂતો તંબૂઓમાં રહે છે.
કેન્દ્રના કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન કૈલાશ ચૌધરીને આશા છે કે આજની મંત્રણા સફળ રહેશે અને કોઈક ઉકેલ મળી આવશે. નરેન્દ્રસિંહ તોમર ગઈ કાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળ્યા હતા અને આ કટોકટીને ઉકેલવા માટે કોઈ વ્યૂહરચના ઘડી કાઢવા વિશે ચર્ચા કરી હતી.