સંજીવ ભટ્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો

નવી દિલ્હી/અમદાવાદઃ બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. એમણે ગુજરાત હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર્યો છે, જેમાં જામનગરની કોર્ટે એમને કરેલી આજીવન કેદની સજાને સસ્પેન્ડ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. આ કેસ 30 વર્ષ પહેલાં પોલીસ કસ્ટડી દરમિયાન જામજોધપુરના રહેવાસી પ્રભુુદાસ વૈષ્ણવીના નિપજેલા મોતને લગતો છે. ભટ્ટ એ વખતે જામનગરના આસિસ્ટન્ટ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ હતા. વૈષ્ણવીના ભાઈ અમૃતનો આરોપ છે કે કસ્ટડીમાં પ્રભુદાસ પર જુલમ ગુજારવામાં આવ્યો હતો.

સંજીવ ભટ્ટને હાલ પાલનપુરની જેલમાં પૂરવામાં આવ્યા છે. 2002ની સાલમાં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં તે વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મુદ્દે ભટ્ટે મોદી વિરુદ્ધ એક સોગંદનામું નોંધાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં, ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની બેન્ચ આવતીકાલે ભટ્ટની પીટિશન પર સુનાવણી કરે એવી ધારણા છે.