વિસરાતી જતી લોકકલા: બહુરૂપી

આધુનિક મનોરંજનના સાધનો વચ્ચે શહેરના માર્ગો પર અચાનક હનુમાનજી કે પોલીસના વેશમાં દેખાતા કલાકારો આજે સ્મૃતિશેષ બની રહ્યા છે. આપણી પ્રાચીન ‘બહુરૂપી’ કલા આજે લુપ્ત થવાને આરે છે. દુર્ભાગ્યવશ, આજની પેઢી આ વિસરતી જતી લોકકલાના જીવંત દર્શનથી વંચિત રહી ગઈ છે. અનેક વેશ ધારણ કરી મનોરંજન પીરસતા ‘બહુરૂપી’ ગુજરાત અને રાજસ્થાનની આગવી લોકપરંપરા છે. માત્ર વેશભૂષા જ નહીં, પણ પાત્ર મુજબનો આબેહૂબ અભિનય એ આ કલાની વિશેષતા છે. દેશી રજવાડાંઓએ જેમને પ્રોત્સાહન આપ્યું હતું, તેવા આ કલાકારો સદીઓથી હાસ્ય રેલાવવાનું કાર્ય કરે છે.

આ કલાના ઉદ્ભવ અંગે કોઈ ચોક્કસ તથ્ય નથી, પરંતુ માનવામાં આવે છે કે સામવેદની લયબદ્ધ ગાયનશૈલીમાંથી ઉતરી આવેલી વિવિધ ‘લીલાઓ’નું આ એક અંગ છે. પૌરાણિક લોકવાયકા મુજબ, ભગવાન વિષ્ણુએ બલિરાજાના દ્વારે લીધેલા 52 સ્વરૂપોમાંથી પ્રેરણા મેળવી આ કલા અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે. આજે પણ બહુરૂપીઓની એક આખી જાતિ આ વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવા મથામણ કરી રહી છે. અજમેરના મેળા વખતે તાલાઘોલામાં ભારતભરના બહુરૂપીઓ ભેગા થાય છે. જ્યારે કર્નાલની મનવા ભાંડની ટેકરી એમની તાલીમનું પ્રેરણાધામ છે. આ કલામાં વર્ષના 52 અઠવાડિયા પ્રમાણે 52 વેશોનું વિશેષ મહત્વ છે. જોકે, ભૂતકાળમાં જે ઉસ્તાદ કલાકારો તમામ 52 વેશોમાં નિપુણ હતા, એમની સંખ્યા આજે નહિવત છે. વર્તમાન સમયના કલાકારો માત્ર પાંચ-સાત વેશો ભજવીને માંડ ગુજરાન ચલાવે છે.

વ્યવસાય અર્થે બહુરૂપીઓ વિવિધ શહેરો કે ગામડાઓમાં ભાડાના મકાનમાં રહીને ધાર્મિક અને સામાજિક વેશો રજૂ કરે છે. ગાદીના કડક નિયમોનું પાલન કરતા આ કલાકારો મહિનાના અંતે મળતા લોકફાળા અને અનાજ પર નિર્ભર રહે છે. કમનસીબે, મનોરંજનના બદલાતા પ્રવાહોને કારણે આ પ્રાચીન કલાનો સૂર્ય આથમી રહ્યો છે. આર્થિક લાચારીને વશ થઈને અનેક કલાકારો મજૂરીકામ તરફ વળ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)