નવી દિલ્હીઃ દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમે ફરી એક વાર અધિકારોના વિવાદને સુપ્રીમ કોર્ટમાં પહોંચાડ્યો છે. કેજરીવાલ સરકારે એક અરજી દાખલ કરીને એ વટહુકમને પડકાર આપ્યો છે, જેના દ્વારા અધિકારીઓના પોસ્ટિંગની તાકાત ફરી LGને આપવામાં આવી હતી. હવે એ વટહુકમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. એ સાથે ચોથી જુલાઈએ એ વટહુકમની કોપીને સળગાવવાની તૈયારી છે.
સુપ્રીમ કોર્ટે અધિકારોની લડાઈમાં આમ આદમી પાર્ટીને મોટી રાહત આપી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો હક ચૂંટાયેલી દિલ્હી સરકારની પાસે રહેશે. કોર્ટે તર્ક આપ્યો હતો કે ચૂંટાયેલી સરકાર પ્રતિ અધિકારીઓની જવાબદારી રહેવી જરૂરી છે, પરંતુ કોર્ટના એ ચુકાદાની સામે કેન્દ્ર સરકાર એક વટહુકમ બહાર પાડ્યો હતો. એ અધ્યાદેશમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરમાં અંતિમ નિર્ણય LG પાસે રહેશે.
વાસ્તવમાં કેન્દ્રએ એક સમિતિની રચના કરી હતી, જેમાં ત્રણ લોકો રહેશે- દિલ્હીના મુખ્ય પ્રધાન અને દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહપ્રધાન સચિવ. હવે આ સમિતિ જે નિર્ણય કરશે એનો અંતિમ નિર્ણય LGએ કરવાનો રહેશે. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમને કોર્ટના ચુકાદાની વિરુદ્ધ ગણાવ્યો હતો. પાર્ટીએ એને લોકતંત્રની હત્યા પણ ગણાવી હતી.