કેન્દ્ર દ્વારા સ્વદેશી રસી ‘કોવેક્સિન’ને નિકાસ કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે સ્વદેશી રીસ કોવેક્સિનની નિકાસને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કોવેક્સિનને ઇમર્જન્સી યુઝ લિસ્ટ (EUL)માં રાખ્યા બાદ લેવામાં આવ્યો છે, કેમ કે એનાથી વિશ્વમાં કોવેક્સિનમાં રસ વધ્યો છે.

ભારતની  સ્વદેશી કોવેક્સિનને હવે વિશ્વના કેટલાય દેશો સ્વીકૃતિ આપવા માંડ્યા છે, જે રસીને WHO પણ મંજૂરી નહોતી આપતી, હવે કેટલાય દેશો આ રસીને માન્યતા આપી રહ્યા છે. કુલ 110 દેશોએ કોવેક્સિન અને કોવિસિલ્ડની રસીને મંજૂરી આપી દીધી છે.

WHOના ઇમર્જન્સી યુઝ લિસ્ટના નિર્ણય પછી કોવેક્સિનની વૈશ્વિક પહોંચ અને ઉપલબ્ધતામાં તેજી આવી ગઈ છે. એણે દેશોને ભારત બાયોટેક દ્વારા વિકસિત અને નિર્મિત ભારતની સ્વદેશી કોરોનાની રસીને રજૂ કરવા અને નિયામક અરજીની પ્રક્રિયામાં ઝડપ લાવવાની સુવિધા પ્રદાન કરી છે. એણે જરૂરિયાતવાળા દેશોના વિતરણ માટે યુનિસેફ, PAHO અને GAVI કોવેક્સ સુવિધા દ્વારા ખરીદીની અનુમતિ આપી છે.

આ રસી વિના લક્ષણોવાળા કોરોના સંક્રમિત કેસોની સામે 63.6 ટકા સુરક્ષા આપે છે. એ B.1.1.7 (આલ્ફા), B. 1.351 (બીટા) અને B. 1.617.2 (ડેલ્ટા) જેવાં સ્વરૂપોને ખાળવા માટે ઉપયોગી છે.ત્રીજી લહેરની સંભાવના નથીઃ ગુલેરિયા

AIIMSના દિલ્હીના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોરોના રોગચાળાની બે લહેરોની તુલનાએ ત્રીજી લહેર એટલી તીવ્રતાવાળી આવવાની સંભાવના નથી. હાલના સમયમાં સંક્રમણના કેસો વધારો નથી થતો, એ દર્શાવે છે કે રસી હવે વાઇરસથી સુરક્ષા આપી રહી છે. જેથી હાલ ત્રીજા બુસ્ટર ડોઝની જરૂર નથી. સમયની સાથે રોગચાળો સામાન્ય બીમારીનું રૂપ લેશે.