લાંચનો આરોપઃ મહુઆ મોઈત્રાથી ટીએમસી પાર્ટીએ અંતર કર્યું

કોલકાતાઃ ‘પૈસા અને ગિફ્ટ લઈને સંસદમાં સવાલો પૂછે છે’ એવા આક્ષેપને કારણે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રા મુશ્કેલીમાં આવી ગયાં છે. તેમની સામે આ આક્ષેપ ભાજપાના ઝારખંડના સંસદસભ્ય નિશિકાંત દુબેએ કર્યો છે. આ પ્રકરણમાં તૃણમુલ કોંગ્રેસે મોઈત્રાથી અંતર કરી લીધું છે. પક્ષના નેતા કુણાલ ઘોષને જ્યારે પત્રકારોએ પ્રત્યાઘાત આપવા કહ્યું ત્યારે એમણે કહ્યું કે આ સવાલોના જવાબ સંબંધિત વ્યક્તિ (મહુઆ મોઈત્રા) જ આપી શકે.

ટીએમસીના રાજ્ય એકમના મહામંત્રી કુણાલ ઘોષે કહ્યું કે, મારે આ ચોક્કસ મુદ્દે કોઈ કમેન્ટ કરવી નથી. અમારે આ વિશે કંઈ જ કહેવાનું રહેતું નથી. તૃણમુલ કોંગ્રેસ એક શબ્દ પણ નહીં ઉચ્ચારે. સંબંધિત વ્યક્તિ જ આ વિશે ખુલાસો કરી શકે કે જવાબ આપી શકે, તૃણમુલ કોંગ્રેસ નહીં. અમે આ પ્રકરણ પર નજર રાખી રહ્યાં છીએ, માહિતી એકઠી કરી રહ્યાં છીએ, પણ હાલને તબક્કે અમે કોઈ પ્રકારની કમેન્ટ કરવા માગતા નથી.

મહુઆ મોઈત્રા પર આરોપ છે કે એમણે સંસદમાં સવાલો પૂછવા માટે રોકડ નાણાં લીધાં હતાં. ભાજપા સાંસદ દુબેનો દાવો છે કે એમની પાસે સુપ્રીમ કોર્ટના એડવોકેટ જય અનંત દેહાદ્રાઈએ આ મામલે સંશોધન કરીને એકઠી કરેલી વિગતો પોતાને આપી છે. દુબેએ આ વિશે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિતમાં ફરિયાદ કરી છે. લોકસભાએ આ મામલો નૈતિક્તા સમિતિને સુપરત કર્યો છે. સમિતિએ દુબે અને એડવોકેટ દેહાદ્રાઈને પૂછપરછ માટે બોલાવ્યા છે.