કેગનો ખુલાસોઃ 7.5 લાખ લાભાર્થીઓનાં એક જ નંબરથી બન્યાં કાર્ડ

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)થી જોડાયેલાં રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનના મામલામાં એક મોટી ગેરરીતિ બહાર આવી છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG-કેગ)એ ખુલાસો કર્યો છે કે આશરે 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર 99999 99999થી જોડાયેલા છે. આ સિવાય 1.39 લાખ લાભાર્થી 88888 88888થી જોડાયેલા છે અને 96,046 અન્ય લોકો 90000 00000 નંબરથી જોડાયેલા છે. અત્યાર સુધી 7.87 લાખ કરોડ લાભાર્થી પરિવાર નોંધાયેલા છે, જે 10.74 કરોડ (નવેમ્બર, 2022)ના ટાર્ગેટેડ પરિવારોના 73 ટકા છે.જોકે સરકાર પછીથી લક્ષ્ય વધારીને 12 કરોડ કરી દીધું હતું.

ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સૌથી મોટી ખામી એ ઉજાગર થઈ હતી કે આ યોજના હેઠળ એવા દર્દીઓ સારવાર કરાવી રહ્યા હતા, જે રોગીઓને પહેલાં મૃત્યુ પામેલા બતાવવામાં આવ્યા હતા. આ સાથે 3903 કેસોમાં દાવાની રકમની ચુકવણી હોસ્પિટલોને કરવામાં આવી હતી, એમાં 3446 દર્દીઓથી સંબંધિત પેમેન્ટ રૂ. 6.97 કરોડનું હતું.

કેગે ખુલાસો કર્યો છે કે આયુષ્માન ભારત યોજનામાં કોઈ પણ લાભાર્થી સાથે સંબંધિત રેકોર્ડ્સ શોધવા માટે મોબાઇલ નંબર મહત્વપૂર્ણ છે, જે આઇડી વગર રજિસ્ટ્રેશન ડેસ્કનો સંપર્ક કરી શકે છે. જો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની શકે છે. જેના કારણે લાયક લાભાર્થીઓ યોજનાના લાભોથી વંચિત રહેવાની શક્યતા છે.

આ યોજના હેઠળ છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મધ્ય પ્રદેશમાં સૌથી ગેરરીતિના કેસો સામે આવ્યા છે. આ મુદ્દે નેશનલ હેલ્થ ઓથોરિટીએ કહ્યું હતું કે  BIS 2.0 આવવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે. અહેવાલ મુજબ -લાભાર્થી સશક્તીકરણ માર્ગદર્શિકા પ્રદાન કરે છે કે સંપર્ક નંબરનો ઉપયોગ લાભાર્થી સાથે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ડિસ્ચાર્જ પછીના રિસ્પોન્સ સુધીની ક્રિયા-પ્રતિક્રિયા માટે કરવામાં આવશે.

કેગંના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓડિટમાં અયોગ્ય લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન આયુષ્માન યોજનામાંથી રદ કરવાનાં પગલાંઓમાં વિલંબને પરિણામે અયોગ્ય વ્યક્તિઓએ યોજનાનો લાભ મેળવ્યો અને વીમા કંપનીઓને પ્રીમિયમની વધારે ચુકવણી કરવામાં આવી છે.