સરકારી હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરનો રેપ બાદ નિર્મમ હત્યાઃ CBI તપાસની માગ

કોલકાતાઃ સરકારી હોસ્પિટલ (RG કર મેડિકલ કોલેજ)માં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડોક્ટરની ડેડ બોડી મળી છે. પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું છે કે બળાત્કાર પછી ટ્રેની ડોક્ટરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ચાર પાનાંના ઓટોપ્સી રિપોર્ટ મુજબ મહિલાની આંખ, મોં અને પ્રાઇવેટ પાર્ટસમાંથી લોહી વહી રહ્યું છે. એ સાથે તેના પેટ, જમણા પગ, ગળા, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઇજાનાં નિશાન છે.

કોલકાતા પોલીસ અનુસાર આ કેસ સુસાઇડનો નથી, પણ રેપ પછી હત્યા થઈ છે. ટ્રેની ડોક્ટરના ડોકનું હાડકું તૂટેલું મળ્યું છે. કોઈ ગળું દબાવીને હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. પોલીસે સંદિગ્ધ કામગીરીને આધારે સંજય નામના એક શખસની ધરપકડ કરી છે.

આ ઘટના પછી મેડિકલ વિદ્યાર્થીઓ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આકરી કાર્યવાહીની માગને લઈને હોસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છ. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ કેસની CBI તપાસ કરાવવાની માગ કરી છે. બીજી બાજુ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડો. કૌસ્તવ નાયકે જણાવ્યું હતું કે આ કુદરતી મોત નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી માલૂમ પડશે કે મહિલાની સાથે શું થયું.

પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ પણ આ જુનિયર ડોક્ટરના હત્યાકાંડ મામલે દોષીઓને મોતની સજાની માગ કરી છે. આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફાંસીની સજાનો કેસ દાખલ કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર દરેક પ્રકારથી સહયોગ કરવા તૈયાર છે, પરંતુ અમારી માગ છે કે દોષીઓને કડક સજા થવી જોઈએ.