‘ભારત બંધ’ શાંતિપૂર્ણઃ વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિને મળશે

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોએ આપેલા ‘ભારત બંધ’ને લીધે દેશના અનેક હિસ્સામાં મંગળવારે જીવન અસ્તવ્યસ્ત થયું હતું. દુકાનો અને વેપારી કામકાજ બંધ રહ્યાં હતાં, દેખાવકારોએ મહત્ત્વના રસ્તા પર ચક્કાજામ કરતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે આ ‘ભારત બંધ’ શાંતિપૂર્ણ રહ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ખેડૂતોના આંદોલનમાં ભાગ લઈ રહેલા 13 નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે મોડી સાંજે બેઠક યોજી હતી.

ખેડૂતોની માગમાં વચલા સમાધાનનો કોઈ રસ્તો નથી, અમે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સરકાર પાસે માગ કરીએ છીએ કે ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચો- આ મુદ્દે ‘હા’ પાડો ‘ના’ પાડો, એમ ખેડૂત નેતા રુદ્રસિંહ મંસાએ પત્રકારોને કહ્યું હતું. ખેડૂતો છેલ્લા 12 દિવસથી સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે 25 રાજ્યોમાં 10,000 જગ્યાઓએ રાષ્ટ્રવ્યાપી બંધ પાળવામાં આવ્યો હતો. પ્રદર્શનકર્તાઓએ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં કેટલીય જગ્યાઓએ રેલવે ટ્રેક પણ બંધ કરી હતી. દેશમાં મોટે ભાગે ભારત બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.

કૃષિ કાયદાઓ અંગે વિપક્ષ રાષ્ટ્રપતિને મળશેઃ શરદ પવાર

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષો કૃષિ કાયદાઓ વિશે વિસ્તારથી ચર્ચા-વિચારણા કરશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી મળતાં પહેલાં એક સામૂહિક રીતે એકમત સાધશે. વિરોધ પક્ષોના નેતાઓ ત્રણ કૃષિ કાયદાઓ અંગે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે બુધવારે સાંજે બેઠક યોજે એવી સંભાવના છે, એવું તેમણે કહ્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]