કોહલીના 85-રન ભારતને ક્લીન-સ્વીપ જીત અપાવી ન શક્યા

સિડનીઃ કેપ્ટન વિરાટ કોહલીએ 85 રનની શાનદાર ઈનિંગ્ઝ ખેલી, પરંતુ બે નિષ્ણાત બેટ્સમેન – કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયર ઝીરો પર આઉટ થતાં ભારતનો આજે અહીં ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 12-રનથી પરાજય થયો. આને કારણે ટીમ ઈન્ડિયા સિરીઝમાં ક્લીન-સ્વીપ પરિણામ મેળવી ન શકી અને જીતનો માર્જિન ઘટીને 2-1 થયો. કોહલીએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 174 રન કરી શકી હતી. ભારતના દાવમાં ઓસ્ટ્રેલિયાના 3 સ્પિનર – મિચેલ સ્વેપ્શન, એડમ ઝમ્પા અને ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 64 રન આપીને કુલ પાંચ વિકેટ પાડી હતી.

ભારતના દાવમાં 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર મિચેલ સ્વેપ્સનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ હાર્દિક પંડ્યાને આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના દાવમાં વિકેટકીપર-ઓપનર મેથ્યૂ વેડે 80 રન કર્યા હતા જ્યારે ગ્લેન મેક્સવેલે ઓલરાઉન્ડ દેખાવમાં 36 બોલમાં 54 રન કર્યા હતા અને 3 ઓવરમાં 20 રન આપીને રાહુલની વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા 13 બોલમાં 1 બાઉન્ડરી, 2 સિક્સર ફટકારીને આઉટ થતાં અને ત્યારબાદ કોહલી (61 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા)નો દાવ રમીને આઉટ થતાં ભારતની જીતની આશા મરી પરવારી હતી.

ભારત વન-ડે સિરીઝમાં 1-2થી હાર્યું હતું, આમ, તેણે ટ્વેન્ટી-20 સિરીઝમાં તે હારનો બદલો લઈ લીધો. હવે બંને ટીમ વચ્ચે 4-મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પહેલી ટેસ્ટ 17 ડિસેમ્બરથી એડીલેડમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]