માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 86 સે.મી. વધી

કાઠમંડુઃ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈની નેપાળના વિદેશપ્રધાને જાહેરાત કરી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને ફરીથી માપવામાં આવી છે અને તે હવે 8848.86 મીટર (29,031.69 ફૂટ) છે. એની આ પહેલાની ઊંચાઈ 8848 મીટર હતી. આમ તે 86 સેન્ટિમીટર વધી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે નેપાળ અને ચીનની વચ્ચે સહમતી સધાઈ છે. વર્ષ 2015માં આવેલા વિનાશકારી ભૂકંપની તથા અન્ય અમુક કારણોને લીધે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં બદલાવ આવ્યો છે. એ વિશે કેટલાક સવાલ ઉઠાવવામાં આવતાં શિખરની ઊંચાઈને ફરી ચોક્કસ રીતે માપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એવરેસ્ટની નવી ઊંચાઈની જાહેરાત નેપાળના વિદેશપ્રધાન અને ચીનના વિદેશપ્રધાને સંયુક્ત રૂપે કરી હતી. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1954માં માપવામાં આવ્યા અનુસાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર હતી.

હિમાલય પર રિસર્ચ કરનારી અનેક સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો અનેક વાર ખુલાસા કરી ચૂક્યા છે કે હિમાલય પર્વતમાળામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા એવા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં વધારો થઈ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]