મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં શનિવારે આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત થયાં છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશન (NCPCR)એ ભંડારા જિલ્લા કલેક્ટરને આ ઘટનાની તપાસ કરવાના અને 48 કલાકની અંદર કાર્યવાહી રિપોર્ટ મોકલવાનો પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત અન્ય નેતાઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ભંડારામાં દિલ હચમચાવી મૂકે એવી દુર્ઘટના થઈ છે. મારી સંવેદનાઓ પરિવાર સાથે છે અને આશા છે કે ઘાયલો જલદી સ્વસ્થ થશે.
રાહુલ ગાંધીએ પણ શોક પ્રગટ કરતાં રાજ્ય સરકારને મૃતકો અને ઘાયલોના પરિવારોને દરેક મદદ કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, નેશનલ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સરકાર છે.
ભંડારા જિલ્લાની એક હોસ્પિટલના ન્યુબોર્ન કેર યુનિટમાં આગ લાગવાથી 10 નવજાત શિશુઓનાં મોત થયાં છે. આ શિશુઓની ઉંમર એક મહિનાથી ત્રણ મહિનાની વચ્ચે હતી. જિલ્લા સિવિલ સર્જન પ્રમોદ ખાંડતેએ કહ્ હતું કે આ યુનિટમાં 17 બાળકો હતાં, જેમાંથી સાતને બચાવી લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગ્રેડએ ઘટનાસ્થળે પહોંચીને હોસ્પિટલમાં લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ભંડારાના જિલ્લા કલેક્ટર સંદીપ કદમે કહ્યું હતું કે રાત્રે આશરે દોઢ-બે કલાકે આગ લાગી હતી. આ કેસની વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને ઘટનાનું કારણ શોધવામાં આવશે.
