NDAના નેતા પસંદ થવું એ સૌભાગ્યની વાતઃ PM મોદી

નવી દિલ્હીઃ NDAની આજે બેઠક છે. આ બેઠકમાં તમામ ઘટક પક્ષો સામેલ થયા છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીને સંસદીય દળના નેતા ચૂંટી કાઢવામાં આવશે. આ બેઠકમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો વડા પ્રધાનપદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અમિત શાહે ટેકો આપ્યો હતો.

આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું હતું કે હું બહુ ભાગ્યશાળી છું કે બધાએ સર્વસંમતિથી મને NDAનો નેતા ચૂંટી કાઢવામાં આવ્યો છે. તમે બધાએ મને એક નવી જવાબદારી આપી છે અને હું તમારા બધાનો બહુ આભારી છું. આપણી વચ્ચે વિશ્વાસનો પુલ મજબૂત છે. આ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર છે અને એ સૌથી મોટી પૂંજી છે, એમ તેમણે કહ્યું હતું.ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારે મોદીને ટેકો આપ્યો હતો. નીતીશકુમારે કહ્યું હતું કે અમે બધા ભાજપની સાથે છીએ. 10 વર્ષમાં જે કામ બચ્યું છે એને પણ આગામી પાંચ વર્ષમાં પૂરું કરી લેવામાં આવશે. બધા મળીને સાથે ચાલીશું અને સૌ સાથે છીએ. મોદી ફરી એક વાર વડા પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.

રાજનાથ સિંહના પ્રસ્તાવને ભાજપના નેતા નીતીન ગડકરી અને JDS નેતા એચડી કુમારસ્વામીએ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારત એક નવી શક્તિ બનશે. આ બેઠકમાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે જે ઘડીની રાહ જોવાતી હતી, એ આવી ગઈ છે. અમારી પેલી વાર ઓડિશામાં સરકાર બની છે. આંધ્ર પ્રદેશમાં અને સિક્કિમમાં NDA સરકાર છે.

સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપાધ્યક્ષે સતત ત્રીજી વાર સત્તાવામાં વાપસીને લઈને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. એ દરમ્યાન બેઠકમાં પણ મોદી સરકારનો સૂત્રોચ્ચાર થયો હતો. આ NDA સંસદીય દળની બેઠક જૂની સંસદમાં આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં NDAના બધા પક્ષોના સાંસદ હાજર રહ્યા હતા. હવે નવ જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે.