નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેની સમય-અવધિને વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવાને આધારે જ લેવાયો છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન સંસ્થાના ચેરપર્સન ડો. એન.કે. અરોરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નિર્ણય એકદમ પારદર્શી રીતે લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે સંસ્થાના સભ્યોમાં કોઈ મતભેદ કે અસંતોષ નથી.
ઉલ્લેખનીય છે કે સરકારે બે કોવિશીલ્ડ રસીના ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12-16 અઠવાડિયાનું કર્યું છે, જે આ પહેલાં 6-8 અઠવાડિયાનું હતું. ગઈ 1 જૂને પણ નીતિ આયોગનાન સભ્ય ડો. વી.કે. પૌલે સ્પષ્ટતા કરી હતી કે સમયાવધિ લંબાવવાનો નિર્ણય લોજિકલ પુરાવાને આધારિત છે તેથી કોઈએ ગભરાટ રાખવાની જરૂર નથી.