કોરોનાનું ડેલ્ટા-પ્લસ સ્વરૂપ હાલ ચિંતાજનક નહીં: સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કોરોના વાઇરસનું ડેલ્ટા પ્લસ સ્વરૂપ અત્યાર સુધી ચિંતાજનક નથી અને દેશમાં એની હાજરીની તપાસ કરવી પડશે અને એના પર નજર રાખવી પડશે. નીતિ આયોગના સભ્ય વી. કે. પોલે સંવાદદાતાઓને કહ્યું હતું કે ડેલ્ટા પ્લસ નામના વાઇરસનું નવું સ્વરૂપ સામે આવ્યું છે અને એ યુરોપમાં માર્ચ મહિનાથી છે. કેટલાક દિવસો પહેલાં એના વિશે માહિતી જાહેર થઈ છે.

તેમણે કહ્યું હતું કે હાલ એ ચિંતાજનક પ્રકારના રૂપમાં વર્ગીકૃત નથી કરવામાં આવ્યું. ચિંતાવાળું સ્વરૂપ એ હોય છે, જેમાં એ માલૂમ પડે કે એના પ્રસારમાં વધારાથી માનવતા માટે આડઅસર થાય. ડેલ્ટા પ્લસ સ્વરૂપ વિશે અત્યાર સુધી આવી કોઈ જાણ નથી, પણ ડેલ્ટા સ્વરૂપના પ્રભાવ અને ફેરફાર વિશે અમારે નજર રાખવી પડશે. એની જાણ થતાં દેશમાં એની હાજરી જોવી પડશે.

તેમણે કહ્યું હતું કે ડેલ્ટા પ્લસ સ્વરૂપ મોનોક્લોનિલ એન્ટિબોડીના ઉપયોગને નિષ્ક્રિય કરી શકે છે. આપણે આપણા વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને વાઇરસને પ્રસાર થતો અટકાવવો પડશે. ભીડ અને પાર્ટીઓને રોકવી પડશે. જો આપણે સંક્રમણની શૃંખલાને તોડીએ છે તો એનો ઓછો પ્રસાર થશે.

દેશમાં 26.19 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 26,19,72,014 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28,00,458 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારાના સંકેત આપતાં લવ અગ્રવાલે કહ્યું હતું કે સાત મેએ સૌથી વધુ કેસ આવ્યા પછી દૈનિક સંક્રમણના કેસોમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો છે.