‘અંતિમ કોવેક્સીન રસીમાં વાછરડાનું સીરમ-(લોહી) હોતું નથી’

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પરની કેટલીક પોસ્ટ દ્વારા ફેલાવાયેલી અફવાઓનું ખંડન કરીને કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે ‘કોવેક્સીન’ના નિર્માણમાં નવજાત વાછરડાના સીરમ (પ્રાણીના શરીરમાંના પ્રવાહી તત્ત્વ અથવા લોહી)નો જરાય ઉપયોગ કરાયો નથી. અંતિમ રસી (કોવેક્સીન)માં નવજાત વાછરડાનું સીરમ જરાય હોતું નથી અને વાછરડાનું સીરમ અંતિમ રસી ઉત્પાદનનું ઘટક નથી. કોવેક્સીન હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપની દ્વારા નિર્મિત દેશની પહેલી સ્વદેશી રીતે તૈયાર કરાયેલી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી છે. ભારતમાં આ રસી પુખ્ત વયની વ્યક્તિઓને આપવામાં આવે છે.

આસામના કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીએ ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે કોવેક્સીન રસીમાં નવજાત વાછરડાનું સીરમ વપરાય છે. તેમણે વિકાસ પટની નામના એક નાગરિકે માહિતીના અધિકાર (આરટીઆઈ) અંતર્ગત કરેલી અરજી પર સેન્ટ્રલ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ દ્વારા આપવામાં આવેલા જવાબના આધારે આક્ષેપ કર્યો હતો.

કોવેક્સીનની ઉત્પાદક કંપની ભારત બાયોટેકે આ આક્ષેપના પ્રતિસાદમાં જણાવ્યું છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ માત્ર વેરો (Vero) સેલ (કોષ)ને તૈયાર કરવા તથા એના વિકાસ માટે જ કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારના પશુ સીરમનો ઉપયોગ વેરો સેલના વિકાસ માટે વિશ્વસ્તરે કરવામાં આવે છે અને તે માન્યતાપ્રાપ્ત સંવર્ધન ઘટક છે. કોષની આવરદા સ્થાપિત કરવા માટે જ વેરો સેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોષ રસી ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આ વેરો સેલ્સનો વિકાસ થઈ ગયા બાદ એને પાણી અને રસાયણોથી અનેક વાર સાફ કરવામાં આવે છે જેથી એ નવજાત વાછરડાના સીરમથી મુક્ત થઈ જાય. આ ટેકનિકનો ઉપયોગ દાયકાઓથી પોલિયો, રેબીઝ તથા ઈન્ફ્લૂએન્ઝા બીમારીઓ માટેની રસી બનાવવા માટે કરાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]