ટીમ ઇન્ડિયાનો કમાલઃ 30 વર્ષોમાં સૌપ્રથમ વાર થયું આવું…

રાજકોટઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની સિરીઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસની રમતને અંતે 51 ઓવરમાં ભારતે બીજી ઇનિંગ્સમાં બે વિકેટે 196 રન બનાવ્યા હતા. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ભારત 322 રન સાથે મજબૂત સ્થિતિમાં છે.

ઇંગ્લેન્ડે સવારે બે વિકેટ 207 રનથી રમવાનું શરૂ કર્યું હતું. બેટર બેન ડકેટે ગઈ કાલે ફટકારેલી સદી બાદ કુલ 153 રન બનાવ્યા હતા. ત્યાર બાદ આખી ટીમમાંથી ખાસ કોઈ ક્રીઝ પર ટકી નહોતું શક્યું અને બાકીની ટીમ આશરે 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેન સ્ટોક્સ (41) અને ફોક્સ (13) રન બનાવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીઓ દ્વિઅંકી રનને પણ પાર નહોતા કરી શક્યા. ભારત વતી સિરાજે ચાર વિકેટ લીધી હતી. જ્યારે યાદવ અને જાડેજાને બે-બે વિકેટ મળી હતી.

30 વર્ષોમાં પહેલી વાર થયું આવું

વર્ષ 1993-94 પછી ભારતે સૌપ્રથમ વાર ઘરેલુ જગ્યાએ કોઈ ટેસ્ટ સિરીઝના પ્રારંભમાં પહેલી ઇનિંગ્સમાં વિરોધી ટીમથી વધુ રનોની લીડ હાંસલ કરી છે. ભારતે છેલ્લે શ્રીલંકાની વિરુદ્ધ આવું કર્યું હતું. ભારતે ઇંગ્લેન્ડની સામે પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં 190 રનોની, બીજી ટેસ્ટમાં 143 રનોની અને ત્રીજી ટેસ્ટમાં 126 રનોની લીડ હાંસલ કરી હતી.

ઇંગ્લેન્ડ 319 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 126 રનની લીડ મળી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને યશસ્વી શર્મા બેટિંગ કરવા ઊતર્યા હતા, જેમાં રોહિત શર્મા (19) રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. ત્યાર બાદ તે રિટાર્યર્ડ હર્ટ થયો હતો. એ પછી પાટીદાર ઝીરો રને આઉટ થયો હતો. દિવસને અંતે ગિલ 65 રન અને કુલદીપ યાદવ ત્રણ રન સાથે દાવમાં છે.