નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારી સામે ભારતમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શનની આગેવાની હેઠળ જોરદાર જંગ ચાલી રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાએ એવો દાવો કર્યો છે કે દેશવ્યાપી શરૂ કરાયેલી રસીકરણ ઝુંબેશ કોરોનાનો ફેલાવો રોકવામાં સારી એવી સફળ થઈ છે. ભારતમાં હાલ બે બ્રાન્ડની રસી આપવામાં આવી રહી છે – કોવિશીલ્ડ અને કોવેક્સિન. ICMRનો દાવો છે કે આ બંને રસીનો પહેલો ડોઝ કે બંને ડોઝ લેનારાઓમાંથી માત્ર 0.04 ટકા લોકોને, એટલે કે સરેરાશ દર 10,000માંથી માત્ર 2-4 જણને જ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
ICMRના ડો. વી.કે. પૉલનું કહેવું છે કે દેશમાં સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ રસીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાથી આપણે આ બીમારીના ગંભીર તબક્કા તરફ નથી જઈ રહ્યા. કોવેક્સિન રસી તો SARS-CoV-2 વાઈરસના અનેક વેરિઅન્ટ્સ સામે પણ અસરકારક સાબિત થઈ છે. દેશમાં કોરોનાના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેનને પણ તે અસરકારક રીતે પરાસ્ત કરે છે.
