દિલ્હીની ચૂંટણીમાં કેમ પાકિસ્તાનને પણ રસ જાગ્યો?

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 2020ની વિધાનસભાની ચૂંટણીની ચર્ચા દેશમાં તો થઈ રહી છે પણ સાથે સાથે પાડોશી દેશ પાકિસ્તાન પણ આ ચૂંટણી પર નજર રાખીને બેઠું છે. પાકિસ્તાનના મંત્રી પણ આ ચૂંટણીમાં કૂદી પડ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની માંગ પાકિસ્તાનમાં ઉઠી છે. પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસેને મોદીને આ ચૂંટણીમાં હરાવવાની અપીલ કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યુ અને એક ટ્વિટ પણ કર્યું છે. ફવાદે આ ટ્વિટ મોદીના એક ભાષણ પર કર્યું હતું.

 

ફવાદે કહ્યું કે, ભારતના લોકોએ મોદીમેડનેસને હરાવવી પડશે. વધુ એક ચૂંટણી હારવાના દબાણ હેઠળ પીએમ મોદી હવે ધમકી આપવાની ભાષા બોલી રહ્યા છે. તેમણે કશ્મીર મુદ્દે તેમજ સીએએ મુદ્દે દુનિયાએ આપેલી પ્રતિક્રિયા બાદ સંતુલન ગુમાવી દીધુ છે.

ટ્વિટર પર આ નિવેદન સામે લોકોના આકરા પ્રત્યાઘાત જોઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફવાદ ચૌધરીને જવાબ આપતા કહ્યું કે, મોદીજી ભારતના અને મારા પણ પીએમ છે. દિલ્હીની ચૂંટણી ભારતનો આંતરિક મામલો છે અને આંતકવાદના સૌથી મોટા પ્રાયોજકો તેમાં દખલગીરી કરે તે સહન નહી થાય. પાકિસ્તાન ગમે તે કરે પણ દેશની એકતા પર પ્રહાર નહી કરી શકે.