પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ કહી આ વાતો

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રની શરુઆત થઈ ગઈ છે. સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોંધિત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સંવિધાન જ આપણા બધાનું માર્ગદર્શક છે અને આ દાયકો ભારત માટે ઘણો મહત્વનો છે. નવા ભારતનું નિર્માણ થાય. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ એક અંતરાલ પછી તેનો બીજો તબક્કો 2 માર્ચથી શરુ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે.

રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

કલમ 370ને દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય: રાષ્ટ્રપતિએ કલમ 370ને દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા સંસદમાં કહ્યું આ ન માત્ર ઐતિહાસિક છે પણ આના કારણે જમ્મુ કશ્મીર અને લડાખના સમાન વિકાસનો માર્ગ પણ મોકળો થયો છે. સરકાર કશ્મીર અને લડાખના વિકાસ માટે સતત કામ કરી રહી છે.

વાદ વિવાદ લોકતંત્રને મજબૂત બનાવે છે: રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારનો સ્પષ્ટ મત છે કે, આંતરિક ચર્ચા પરિચર્ચા તેમજ વાદ વિવાદ લોકતંત્રને વધુ સશક્ત બનાવે છે. પણ સાથે જ તેમણે કહ્યું કે, વિરોધના નામ પર કોઈ પણ પ્રકારની હિંસા, સમાજ અને દેશને નબળી પાડે છે.

અયોધ્યા મુદ્દે લોકોએ પરિપક્વતા દેખાડી: રામનાથ કોવિંદે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દેશભરમાં જળવાઈ રહેલી શાંતિ બદલ લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, દેશવાસીઓએ જે રીતે પરિપક્વતાથી વ્યવહાર કર્યો એ ખૂબ જ પ્રશંસનીય છે.

બોડો સમસ્યાનું સમાધાન મહત્વનું પગલું: રાષ્ટ્રપતિએ કહ્યું કે, પાંચ દાયકાઓથી ચાલી આવતી બોડો સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર અને અસમ સરકારે હાલમાં જ બોડો સંગઠનો સાથે ઐતિહાસિક કરાર કર્યા છે. આ કરારથી એવી જટિલ સમસ્યા જેમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે તેનું સુખદ સમાધાન આવ્યું છે. કરાર પછી બોડો સમુદાયના વિકાસ માટે સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સેનાને મજબૂત બનાવવામાં આવી રહી છે: રામનાથ કોવિંદે કહ્યું કે, બદલાતા સમયમાં દેશની રક્ષા સાથે જોડાયેલા નવા અને જટિલ પડકારોનો સમાનો કરવા માટે અમારી સરકાર, સૈનાને વધુને વધુ સશક્ત, પ્રભાવશાળી અને આધુનિક બનાવી રહી છે. સીડીએસની નિયુક્તિ અને સેન્ય બાબતોના વિભાગની રચના આ દિશામાં ઉઠાવેલું મહત્વનું પગલું છે.

ભારતનેટ યોજના: રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતનેટ યોજના હેઠળ અત્યાર સુધીમાં સવા લાખથી વધુ ગ્રામ પંચાયતોને હાઈ સ્પિડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી છે. 2014માં દેશના ગ્રામીણ વિસ્તારોમાં 60 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા, આજે એની સંખ્યા વધીને 3 લાખ 65 હજારથી વધુ થઈ ગઈ છે.