ચીનથી ભારતીયોને લઈને પરત આવ્યું વિમાનઃ તમામ દેખરેખ હેઠળ

નવી દિલ્હીઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે ચીનમાં રહેલા ભારતીયોને ત્યાંથી માદરે વતન પરત લાવવા માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું બી-747 વિમાન ચીનથી ભારતીયોને લઈને પરત આવી ગયું છે. આ વિમાન ગઈકાલે રાત્રે ચીનથી ભારત પરત આવવા માટે રવાના થયું હતું. આ વિમાનમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની 5 ડોક્ટરોની ટીમ ઉપસ્થિત હતી.(ફાઇલ ફોટો-પ્રતીકાત્મક)

આ વિમાનમાં પેરામેડિકલ સ્ટાફ પણ હતો, જેમની પાસે જરુરી દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરેલું ભોજન હતું. આ સાથે જ એન્જિનીયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ આ ફ્લાઈટમાં ઉપસ્થિત હતી. આ વિમાન આજે સવારે 7 વાગ્યા પછી નવી દિલ્હી પહોંચ્યું હતું.

ચીનથી આવેલા તમામ લોકોને ITPB ના છાવલા કેમ્પ લઈ જવામાં આવ્યા છે. અહીંયા 14 દિવસ સુધી તમામ લોકોને સૌથી અલગ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. કુલ 324 જેટલા ભારતીયો ચીનથી આ વિમાનમાં ભારત પરત આવ્યા છે. આ 324 લોકોમાં 211 જેટલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ સીવાય 3 નાબાલિક પણ છે.