નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સિનિયર ટીવી પત્રકાર અર્ણબ ગોસ્વામીને આજે મોટી રાહત આપી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં ત્રણ અઠવાડિયા સુધી ગોસ્વામીની ધરપકડ ન કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
સોનિયા ગાંધી વિરુદ્ધની ટિપ્પણી બદલ ગોસ્વામી સામે દેશમાં અનેક સ્થળે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોતાની ધરપકડ ટાળવા માટે ગોસ્વામીએ આ પોલીસ એફઆઈઆરને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે એફઆઈઆરના અમલ સામે 3 અઠવાડિયાનો સ્ટે ઓર્ડર આપ્યો છે.
લાઈવ લો વેબસાઈટના જણાવ્યા મુજબ, ન્યાયમૂર્તિ ડી.વા. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ એમ.આર. શાહની બેન્ચે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે તે ત્રણ અઠવાડિયા સુધી અરજદાર ગોસ્વામીની ધરપકડ સામે મનાઈહૂકમ કરે છે. વધુમાં, અરજદારને ટ્રાયલ કોર્ટ કે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરવાની પણ છૂટ આપે છે.
બેન્ચે વધુમાં કહ્યું કે આ કેસમાં નાગપુર શહેરમાં જે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે તેને મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવે જ્યારે બાકીની એફઆઈઆર સામે સ્ટે ઓર્ડર રહેશે.
કોર્ટે ગોસ્વામીને આદેશ આપ્યો છે કે આ કેસની તપાસમાં એમણે પોલીસને સંપૂર્ણપણે સહકાર આપવાનો રહેશે.
સુનાવણી વખતે ગોસ્વામી વતી એડવોકેટો મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ ભટનાગર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે છત્તીસગઢમાંથી વિવેક તાંખા, મહારાષ્ટ્રમાંથી કપિલ સિબ્બલ અને રાજસ્થાનમાંથી અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈ 21 એપ્રિલે અર્ણબ ગોસ્વામીએ એમની રીપબ્લિક ટીવી ચેનલ પરના એક કાર્યક્રમ દરમિયાન સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે સાધુ સહિત ત્રણ જણની ટોળાએ કરેલી હત્યા માટે ગોસ્વામીએ સોનિયા ગાંધીને દોષી ગણાવ્યા હતા. એમણે જણાવ્યું હતું કે, હત્યા કરાયેલા સાધુઓ જો ઈટાલીના રોમમાંથી આવ્યા હોત તો સોનિયા ગાંધી ચૂપ રહ્યાં ન હોત. એ હવે ઈટાલીમાં પત્ર મોકલશે અને કહેશે કે જોયું મહારાષ્ટ્રમાં અમારી સરકાર છે અને હું ત્યાં હિન્દુ સંતોની મરાવી નાખું છું.
તે પછી બુધવારે ગોસ્વામી સામે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, જમ્મુ-કશ્મીરમાં પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને એમની ધરપકડ કરવાની માગણી કરી હતી. પોતાની ધરપકડ રોકવા માટે ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આજે સુપ્રીમ કોર્ટે પોતાની તરફેણમાં ચુકાદો આપ્યો એટલે રાજી થયેલા ગોસ્વામીએ વિડિયો નિવેદન દ્વારા સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.
मैं भारत के सर्वोच्च न्यायालय का आभारी हूं, जिन्होंने मेरे अधिकारों का समर्थन किया है: अर्नब गोस्वामी
देखते रहे रिपब्लिक भारत #LIVE : https://t.co/G945HvRmSx pic.twitter.com/QtJj4amPBP
— रिपब्लिक.भारत (@Republic_Bharat) April 24, 2020