3 મે સુધીમાં સ્થિતિ શું હશે એ કહેવું મુશ્કેલ છેઃ ICMR

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મહામારીના પ્રતિદિન 1000 થી વધારે કેસો સામે આવી ચૂક્યા છે. ત્યારે સવાલ ઉભો થાય કે શું દેશમાં કોરોના વાયરસે સ્પીડ પકડી લીધી છે? જો ના તો શું પછી 3 મેના રોજ લોકડાઉનની સીમા પૂર્ણ થવા સુધીમાં દેશમાં કોરોના સંક્રમણ પીક પર હશે?  આ જ સવાલોનો જવાબ ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન સંસ્થાને આપ્યો. ICMR ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એ જણાવવું મુશ્કેલ છે કે, 3 મે સુધી પીક આવી જશે અથવા પછી ક્યાં સુધી આવશે. જો કે, ભારત અત્યારે સ્ટેબલ પોઝિશનમાં છે. પોઝિટિવીટી રેટ સતત 4.5 ટકા પર બનેલી છે કે જેના દમ પર કહેવામાં આવે છે કે અમારો ગ્રાફ તેજીથી ઉપર નહી જઈ રહ્યો.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને પહેંચી વળવા માટે લોકડાઉન લાગૂ છે અને તે 3 મે સુધીમાં પૂર્ણ થઈ રહ્યું છે. અત્યારે ભારતમાં કોરોનાના 21,700 જેટલા કેસ છે અને આશરે 700 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં કોરોનાના 1409 નવા કેસ સામે આવ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે કોરોના પર દેશની સ્થિતિથી તેઓ કેટલા સંતુષ્ટ છે તો તેમણે કહ્યું કે, કોવિડ-19 દર્દીઓ સાજા થઈ રહ્યા છે, આ અત્યંત ખૂશીની વાત છે. પરંતુ દુઃખની વાત એ છે કે સાજા થઈને જઈ રહેલા લોકો પ્રત્યે પણ લોકોનું વલણ શંકાસ્પદ હોય છે. આ કારણે બીમારી વધી રહી છે અને દર્દીઓનો મૃત્યુ દર પણ.