મધ્ય પ્રદેશ કોંગ્રેસે અમિતાભ, અક્ષયના પૂતળાં બાળ્યા

ભોપાલઃ ઈંધણના ભાવવધારા અને મોંઘવારીના મુદ્દાઓ વિશે કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કંઈ ન બોલવા બદલ મધ્ય પ્રદેશ કોંગ્રેસ એકમનાં સભ્યોએ ગઈ કાલે બોલીવુડ અભિનેતાઓ – અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારના પૂતળાં બાળ્યા હતા. તેમણે એમ કહ્યું હતું કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળ યૂપીએ સરકાર હતી ત્યારે આ બંને અભિનેતાએ ઈંધણના ભાવવધારા અને મોંઘવારી વિરુદ્ધ ટ્વીટ કરીને ટીકા કરી હતી.

કોંગ્રેસના વિધાનસભ્ય પી.સી. શર્માએ કહ્યું કે, આ બંને અભિનેતા 2012માં ટ્વીટ કરીને ઈંધણના ભાવવધારા અને મોંઘવારી વિરુદ્ધ ટીકા કરતા હતા. તેઓ એમ લખતા કે વાહનો ખરીદવાનું તો આસાન છે, પરંતુ પેટ્રોલ અને ડિઝલ ખરીદવા માટે લોન લેવી પડે. એ વખતે તો રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમત રૂ.300-400 હતી અને પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લીટર આશરે રૂ.60 હતી. આજે ભાજપના રાજમાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 1000 થઈ ગઈ છે અને પેટ્રોલ-ડિઝલ રૂ.100-120ની રેન્જ છે તે છતાં આ અભિનેતાઓ કંઈ બોલતા નથી. એમને સામાન્ય માનવીની કોઈ ચિંતા નથી.

મધ્ય પ્રદેશના પ્રધાન વિશ્વાસ સારંગનું કહેવું છે કે કોંગ્રેસીઓએ હતાશામાં આવીને પૂતળાં બાળવાનું કામ કર્યું છે.