બિહારમાં ધોળે દહાડે 500 ટન લોખંડના પૂલની ચોરી

રોહતાસઃ બિહારના રોહતાસ જિલ્લામાં ચોરીની અજીબોગરીબ ઘટના બની છે. અહીં નકલી અધિકારી બનીને આવેલા ચોરો ત્રણ દિવસમાં 60 ફૂટ લાંબો અને 500 ટન વજનનો લોખંડનો પૂલ ચોરી ગયા છે. રસપ્રદ વાત એ છે કે આ ચોરોએ સરકારના સિંચાઈ વિભાગના કર્મચારીઓ પાસે જ પૂલને કપાવડાવ્યો હતો અને ગાડીઓમાં ભરીને એનું લોખંડ ચોરી ગયા હતા. વળી, આ ઘટના ધોળે દહાડે જ બની હતી, જેથી કોઈને શંકા પણ નહોતી ગઈ.

આ મામલો નાસરીગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રના અમિયાવરનો છે. અહીં આરા કેનાલ નહેર પર 1972ની આસપાસ લોખંડનો પૂલ બનાવવામાં આવ્યો હતો. આ પૂલને ત્રણ દિવસમાં ચોરોએ એવી ચાલાકીથી કપાવડાવ્યો હતો અને એનું લોખંડ ટ્રકોમાં ભરીને ગાયબ થયા હતા. આ પૂલ કાપવા માટે બુલડોઝર, ગેસ કટરનો પણ ઉપયોગ થતો રહ્યો હતો.

આ ચોરોએ સિફ્તથી ઘટનાને અંજામ આપ્યો હતો કે ગ્રામીણથી માંડીને સ્થાનિક કર્મચારીઓ સુધી ચોરોની જાળમાં આવી ગયા હતા. આ ચોરો સિંચાઈ વિભાગના અધિકારી બનીને ગામ પહોંચ્યા હતા અને વિભાગીય આદેશ બતાવીને પૂલની કાપકૂપ શરૂ કરી હતી. આ પ્રકારે આશરે 60 ફૂટ લાંબું અને 12 ફૂટ ઊંચું લોખંડ ચોરી થઈ ગયું. આ મામલો સામે આવ્યા પછી જુનિયર એન્જિનિયર અરશદ કમાન શખસે જણાવ્યું હતું કે ચોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.  

વાસ્તવમાં લોખંડનો પૂલ જર્જરિત થયો હતો, જેથી વિભાગે એની સમાંતર કોન્ક્રીટનો એ પૂલ બનાવી દીધો હતો. એ પછી ગ્રામીણ કેટલીય વાર લોખંડનો પૂલ દૂર કરવા માટે અરજી આપી ચૂક્યા છે. ચોરોએ આ અરજીનો સહારો લઈને ગ્રામીણોને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે તેઓ તેમની અરજી પછી વિભાગના આદેશ પર પૂલ દૂર કરવા આવ્યા છે.