અમિત શાહ કદાચ ઓક્ટોબર સુધી ભાજપના પ્રમુખપદે ચાલુ રહેશે

નવી દિલ્હી – મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે ચાલુ રહે એવી ધારણા છે.

સૂત્રોનું કહેવું છે કે આ ત્રણ મહત્ત્વના રાજ્યોમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પક્ષની નેતાગીરીમાં કોઈ મોટો ફેરફાર કરવાનું પક્ષ ઈચ્છતો નથી. અમિત શાહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના કેન્દ્રીય પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે અને ગૃહ પ્રધાન બનાવ્યા છે.

ભાજપે એક-વ્યક્તિ-એક-હોદ્દો સિદ્ધાંત અપનાવ્યો છે તેથી શાહે ભાજપ પ્રમુખ પદ છોડવું પડે, પરંતુ પક્ષના મોટી સંખ્યામાંના નેતાઓ શાહ પક્ષપ્રમુખ પદેથી તાત્કાલિક રાજીનામું આપે એવું ઈચ્છતા નથી. એમણે પક્ષને વિનંતી કરી છે કે ઉક્ત ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહ જ દેખરેખ રાખે અને ચૂંટણી પહેલાં એમને પદ પરથી હટાવવાની ઉતાવળ કરવામાં ન આવે.

અમિત શાહ ગયા શનિવારે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા અને આ વર્ષના અંત ભાગમાં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણી વિશે એમની સાથે ચર્ચા કરી હતી.

અમિત શાહના અનુગામી તરીકે જગતપ્રકાશ નડ્ડાનું નામ મોખરે છે. તે છતાં પક્ષ હવે ઈચ્છે છે કે અમિત શાહે આ વર્ષના ઓક્ટોબર સુધી ભાજપના પ્રમુખપદે ચાલુ રહેવું.