નવી દિલ્હીઃ દેશમાં રેલવે સેવા 100% ક્યારે પ્રસ્થાપિત થાય એની સહુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. કોરોના વાઈરસ મહાબીમારી અને લોકડાઉનને કારણે ટ્રેન સેવાને ગયા માર્ચ મહિનામાં બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં પરિસ્થિતિ હળવી થતાં રેલવે સેવા ધીમે ધીમે, તબક્કાવાર શરૂ કરાઈ છે. હવે દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને રસીકરણ ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે ત્યારે ભારતીય રેલવે વહીવટીતંત્ર તમામ પ્રવાસીઓ માટે રેલવે સેવા ફરી શરૂ કરવા સક્રિય રીતે વિચારે છે, પરંતુ તે સેવા માર્ચના અંત સુધી રાહ જોવી પડશે.
હાલ દેશમાં સ્પેશિયલ ટ્રેનો તરીકે રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયર ટ્રેનો સહિત 1,150 મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તે ઉપરાંત મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા શહેરોમાં લોકલ પેસેન્જર ટ્રેન સેવા રાબેતા મુજબ થઈ રહી છે. રેલવે તંત્ર દર મહિને 150 જેટલી ટ્રેનોનો ઉમેરો કરતું જાય છે અને એવી ધારણા છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં પેસેન્જર ટ્રેન સેવા સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.