ખેડૂતો-સરકાર મંત્રણા ફરી અનિર્ણિતઃ નવી બેઠક ક્યારે? નો-આઈડિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં બે મહિનાથી આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતોના આગેવાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે મંત્રણાનો 11મો રાઉન્ડ આજે યોજાઈ ગયો, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નથી. ભારત કિસાન યૂનિયન ક્રાંતિકારી (પંજાબ)ના પ્રમુખ સુરજીતસિંહ ફૂલનું કહેવું છે કે નવી બેઠકની તારીખ સરકારે નક્કી કરી નથી.

કેન્દ્ર સરકારે હવે પોતાનું વલણ કડક બનાવ્યું છે અને કહ્યું છે કે અમે ખેડૂતોને શક્ય એટલા તમામ વિકલ્પો આપ્યા હતા, હવે તેમણે કાયદાઓને સ્થગિત કરવાના અમારા પ્રસ્તાવ પર અંદરોઅંદર ચર્ચા કરવી જ જોઈએ. બીજી બાજુ, ખેડૂત સંગઠનોએ સરકારને ફરી કહી દીધું કે એમને આ ત્રણેય કાયદા રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ મંજૂર નથી.