સૌથી શ્રેષ્ઠ ‘PM’ મોદી, ઇન્દિરા ત્રીજા ક્રમેઃ સર્વે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઇનાથી છૂપી નથી. દેશ-વિદેશમાં તેમનો દબદબો છે. કોરોના સંકટ અને દેશના મંદીગ્રસ્ત અર્થતંત્ર છતાં મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી. દેશભરમાં લોકસભાની ચૂંટણી વખતની તેમની ક્રીર્તિ હજી જળવાયેલી છે. જો હાલ લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો તેઓ ભારે બહુમતથી જીત મળશે, એવો દાવો સર્વેમાં કરવામાં આવ્યો છે.

ઇન્ડિયા ટુડે અને કાર્વી ઇનસાઇટ્સના મૂડ ઓફ ધ નેશનના સર્વેમાં વડા પ્રધાન મોદીને દેશના સૌથી સારા વડા પ્રધાન દર્શાવાયા છે, જ્યારે ઇન્દિરા ગાંધીને ત્રીજો નંબર આપવામાં આવ્યો છે. આ સર્વેમાં 18 ટકા લોકોએ અટલ બિહારી વાજપેયીને સારા વડા પ્રધાન ગણાવ્યા હતા.

આ સર્વે ત્રીજી જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2021ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 12,232 લોકોએ ભાગ લીધો હતો. આમાં 67 ટકા ગ્રામીણ વસતિ અને 33 ટકા શહેરી વસતિ છે. આ સર્વેમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ફેવરિટ મુખ્ય પ્રધાન બતાવવામાં આવ્યા હતા.

આ સર્વેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલને 14 ટકા લોકોએ સારા મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા, જ્યારે આઠ ટકા લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પસંદ કર્યા હતા.

આ સર્વે મુજબ જો આજની તારીખે ચૂંટણી યોજવામાં આવે તો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને લોકસભાની 543 બેઠકોમાંથી 321 સીટો મળે એવી શક્યતા છે. ભાજપને 291 સીટ પ્રાપ્ત થાય એવી ધારણા છે. જ્યારે કોંગ્રેસને 51 સીટો સાથે યુપીએને માત્ર 93 સીટો મળે એવી સંભાવના છે. અન્યના ખાતાઓમાં 129 સીટો જાય એવી શક્યતા છે.