લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોને વોટ્સએપની ચેતવણી

મુંબઈ – લોકસભાની ચૂંટણી ભારતમાં સૌથી મોટી અને સૌથી મહત્ત્વની રહેતી હોય છે. એવી જ રીતે, ભારતમાં સોશિયલ મિડિયાની દ્રષ્ટિએ વોટ્સએપ સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે. વિશ્વસ્તરે એના દોઢ અબજથી વધારે યુઝર્સ છે.

પરંતુ, મે મહિનામાં નિર્ધારિત લોકસભા ચૂંટણી જીતવા માટે ઘણા રાજકીય પક્ષો વોટ્સએપનો દુરુપયોગ કરતા હોવાનું જણાતા વોટ્સએપ પર ભારતમાં પ્રતિબંધ મૂકાવાનું જોખમ ખડું થયું છે.

આને કારણે વોટ્સએપે એક પગલું લીધું છે જેથી રાજકીય પક્ષો આ પ્લેટફોર્મનો કોઈ પણ રીતે દુરુપયોગ કરી નહીં શકે.

વોટ્સએપે જણાવી દીધું છે કે જો રાજકીય પક્ષો આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનું ચાલુ રાખશે તો એને તેવા એકાઉન્ટ્સ બંધ કરવાની ફરજ પડશે.

વોટ્સએપના કમ્યુનિકેશન્સ વિભાગના વડા કાર્લ વૂગે જણાવ્યું છે કે અમારા પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારાઓને ઓળખી કાઢવાના અમે પ્રયાસમાં છીએ અને ટૂંક સમયમાં જ એ લોકોની એવી પ્રવૃત્તિઓ અમે રોકી દઈશું.

ભારત સરકારે જ વોટ્સએપ સહિતના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને ચેતવણી આપી છે કે લોકસભા ચૂંટણીનો જો કોઈ અયોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે કે ચૂંટણી જીતવા માટે વગ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એ સેવાને ભારતમાં બંધ કરી દેવામાં આવશે.

સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદામાં કડક સુધારા કરવાનું નક્કી કર્યું છે. એને પગલે સોશિયલ મિડિયા, ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને મેસેજિંગ એપ્લિકેશન્સને ફરજ પડશે કે એમણે એવા ‘ટૂલ્સ’ મૂકવા જેથી ગેરકાયદેસર કન્ટેન્ટને ઓળખી શકાય અને અટકાવી શકાય.

આવો કોઈ પ્રતિબંધ પોતાની પર ન આવે એ માટે વોટ્સએપ ગંભીર બની ગઈ છે અને એણે પગલું ભરી પણ લીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]