ચિદમ્બરને Bail નહીં, Jail મળી: કોર્ટે 4 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા

નવી દિલ્હી – INX મિડિયા લાંચ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ નાણાં અને ગૃહ પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમને આજે અહીં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ 4 દિવસ માટે તપાસનીશ એજન્સી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સીબીઆઈએ ચિદમ્બરમને આજે કોર્ટમાં હાજર કર્યા હતા અને પાંચ દિવસ માટે ચિદમ્બરમને કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાની પરવાનગી આપી હતી. સ્પેશિયલ સીબીઆઈ જજ અજયકુમાર કુહાડે ઘણો વિચારવિમર્શ કર્યા બાદ એ માટેની પરવાનગી આપી હતી. આમ, ચિદમ્બરમ આજથી 26 ઓગસ્ટ સુધી સીબીઆઈના સીધા તાબામાં રહેશે.

સ્પેશિયલ જજે સીબીઆઈને ત્રણ શરત પર ચિદમ્બરમની કસ્ટડી સોંપી છે. એક, ચિદમ્બરમનું દર 48 કલાકે મેડિકલ ચેકઅપ કરવાનું. બીજું, એમના પરિવારજનો તથા વકીલોને દરરોજ અડધો કલાક માટે એમને મળવા દેવાના. અને ત્રીજું, આરોપીની ગરિમાનો ભંગ થવો ન જોઈએ.

અગાઉ સુનાવણી વખતે, સીબીઆઈ વતી કોર્ટમાં દલીલ કરી હતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ. એમણે ચિદમ્બરમને પૂછપરછ કરવા માટે પાંચ દિવસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાની સ્પેશિયલ જજ સમક્ષ માગણી રજૂ કરી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પેશિયલ જજને કહ્યું કે સીબીઆઈએ બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું અને એના આધારે જ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે.

તુષાર મહેતાએ કોર્ટને એમ પણ જણાવ્યું કે ચિદમ્બરમ કેસની તપાસમાં સીબીઆઈના અધિકારીઓને સહકાર આપતા નથી. ચૂપ રહેવાનો ચિદમ્બરમનો બંધારણીય અધિકાર છે એ વિશે મારે કોઈ વાંધો નથી, પરંતુ સત્ય છૂપાડવું એય ખોટું છે. એ પૂછપરછમાં સહકાર આપતા નથી.

ચિદમ્બરમને કસ્ટડીમાં લીધા વગર કેસમાં યોગ્ય રીતે તપાસ પૂરી કરવી મુશ્કેલ છે, એવી તુષાર મહેતાએ દલીલ કરી હતી.

મેહતાએ કહ્યું કે અમે ચાર્જશીટ ફાઈલ કરવાના આરે આવી ગયા છીએ, પણ ચિદમ્બરમ તપાસ માટે જરૂરી બધા દસ્તાવેજો પૂરા પાડતા નથી. અમુક સવાલોનાં જવાબ હજી એમણે આપ્યા નથી. એ કોઈક રક્ષણ હેઠળ હશે તો એ સવાલના જવાબ અમને મળી શકશે નહીં.

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે પોતાની દલીલમાં કહ્યું કે ચિદમ્બરમ પર આરોપ છે કે એમણે FIPB વતી વિદેશી મૂડીરોકાણ માટે મંજૂરી આપેલી, પણ એ મંજૂરી ભારત સરકારના છ વિભાગોના સેક્રેટરીઓએ પણ આપી હતી. એમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે. અન્ય આરોપીઓ – પીટર અને ઈંદ્રાણી મુખરજી ડીફોલ્ટ જામીન પર છે, કાર્તિ ચિદમ્બરમ રેગ્યૂલર જામીન પર છે તો પી. ચિદમ્બરમને પણ જામીન મળવા જોઈએ.

સ્પેશિયલ સીબીઆઈ જજે ચિદમ્બરમને બોલવાની પરવાનગી આપી હતી. ચિદમ્બરમે કહ્યું, મેં સીબીઆઈને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. મને મારા અને મારા પુત્ર કાર્તિનાં બેન્ક ખાતાઓ વિશે પૂછવામાં આવ્યું હતું.

ચિદમ્બરમ સામે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સી પણ તપાસ કરી રહી છે. ચિદમ્બરમનો કબજો લેવા માટે ઈડીના નિર્ણયની હિલચાલની વિરુદ્ધમાં ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરી છે જેની પર કોર્ટ 27 ઓગસ્ટે નિર્ણય જાહેર કરવાની છે.

ચિદમ્બરમની બુધવારે રાતે અત્યંત નાટ્યાત્મક સંજોગોમાં એમના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના અધિકારીઓ ચિદમ્બરમના નિવાસસ્થાને ગયા હતા અને દરવાજો ન ઉઘાડવામાં આવતાં તેઓ દીવાલ કૂદીને અંદર ગયા હતા અને ચિદમ્બરમને અટકમાં લીધા હતા. બાદમાં તેઓ ચિદમ્બરમને કારમાં બેસાડીને સીબીઆઈ મુખ્યાલયમાં લઈ ગયા હતા.

સીબીઆઈના તપાસનીશ અધિકારીઓએ ગઈ રાતે અટકમાં લીધા ત્યારબાદ ચિદમ્બરમને INX મિડિયા લાંચ કેસના સંબંધમાં એક ડઝન જેટલા સવારો પૂછ્યા હતા. આજે પણ સવાલોનો મારો આગળ વધારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ચિદમ્બરમ સીબીઆઈ અધિકારીઓને તપાસમાં સહકાર આપતા નથી. ગઈ રાતે પૂછાયેલા સવાલોનાં જવાબ આપવાને બદલે એમણે સામા સવાલો કર્યા હતા. કોંગ્રેસના સિનિયરમોસ્ટ નેતાએ રાત લોકઅપમાં વિતાવી હતી. રાતે 3 વાગ્યે પાણી પીધું હતું અને સવારે ચા પીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]