GST ગુપ્તચર કચેરી દ્વારા નકલી બિલ પ્રકરણમાં ભાગેડુ આરોપીની ધરપકડ

સૂરત-  જીએસટીના નકલી બિલો બનાવીને રૂપિયા 21.6 કરોડની રકમની છેતરપિંડી કરી હતી, જેમાં આઈટીસી સહિત રૂપિયા 120 કરોડના બનાવટી બિલો બનાવ્યા હતા, તે આરોપી નાસતોફરતો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. તેણે બનાવટી બિલો બનાવ્યા હોવાનું કબલ્યું છે. વધુ તપાસમાં બનાવટી બિલોનું કૌભાંડ બહાર આવવાની વકી છે.

 

વસ્તુ અને સેવા કર ગુપ્તચર મહાનિદેશાલયની સુરત કચેરીએ નકલી/બનાવટી ઇનવોઇસના કેસમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. 2019ના જુલાઇ મહિના દરમિયાન આ બાબતે અનેક જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે માલ-સામાન સપ્લાય કર્યા વગર રૂ. 195 કરોડની રકમની બનાવટી ITCનો સમાવેશ કરતાં નકલી/બનાવટી ઇનવોઇસનું પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યું છે.

28મી જુલાઇ, 2019ના રોજ ચંદ્રકાંત જાદવ અને દેવાંગ ચીમનલાલ પારેખ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ઉપરોક્ત કૌભાંડના માસ્ટરમાઇન્ડ વિશાલ પ્રવીણભાઇ સોનાવાલાની 21 ઓગસ્ટ, 2019ના રોજ DGGI, સૂરત પ્રાદેશિક એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે ઉપરોક્ત તપાસ બાદ ભાગતા ફરતા હતા. તેણે રૂ. 21.6 કરોડની રકમના છેતરપિંડી યુક્ત ITC સહિત અંદાજે રૂ. 120 કરોડના મૂલ્યના બનાવટી બિલ આપ્યા હોવાનું સ્વીકાર્યું હતું.

તપાસ દરમિયાન સોનાવાલાએ સ્વીકાર્યુ હતું કે તેણે ખરેખર માલસામાનના પુરો પાડ્યા વગર બનાવટી/નકલી પેઢીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા ઇનવોઇસના આધારે ITCમાં ગેરરીતિ આચરી હતી.

વિશાલ પ્રવીણભાઇ સોનાવાલાને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યાં હતા અને 22 ઓગસ્ટ, 2019ના રોજ તેમને માનનીય મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.