કોલકાતાઃ લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કાઓમાં છે અને રાજકીય પક્ષો તડજોડમાં લાગી ગયા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન સત્તાધારી TMCને પડકાર ફેંકી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એવી ગૂગલી ફેંકી છે કે કોંગ્રેસ નેતૃત્વ અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ આમનેસામને આવી ગયા છે.
TMC પ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પહેલાં ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનવાની સ્થિતિમાં બહારથી સમર્થન અને થોડાક બાદ ફેરવી તોળતાં કહ્યું હતું કે અમે સરકારમાં સામેલ થઈશું. જેથી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ અધીરે મમતા પર નિશાન સાધ્યું તો કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ અધીર રંજનની ઝાટકણી કાઢતાં કહી દીધું હતું કે ચૂંટણી બાદ સરકાર ગઠનમાં શું થશે અને શું નહીં એ કોંગ્રેસ હાઇકમાન્ડ નક્કી કરશે. એ નક્કી કરવા માટે રંજન સત્તાવાર વ્યક્તિ નથી. તેમણે હાઇકમાન્ડની વાત માનવી પડશે અને જો સહમત નહીં થાય તો તેમને દરવાજો બતાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસઅધ્યક્ષ અને લોકસભામાં પાંચ વાર સભ્ય અધીર રંજન ચૌધરીએ TMCની સાથે પાર્ટીની ચૂંટણી પછી સંબંધોને મુદ્દે કોંગ્રેસઅધ્યક્ષ વિરુદ્ધ વિદ્રોહી તેવર બતાવ્યા છે. અહીં પાર્ટીની અંદરના આંતરિક કલહનું કારણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે લખનૌમાં પત્રકારોને આપેલું નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી ગઠન માટે લેવામાં આવેલાં પગલાંનો નિર્ણય ચૌધરી નહીં પણ કોંગ્રેસ નેતૃત્વ નિર્ણય કરશે.
નેતાઓએ પાર્ટીના ટોચના નેતૃત્વએ લીધેલા નિર્ણયને અનુરૂપ ચાલવું પડશે, અન્યથા તેમણે પદ છોડવું પડશે એમ તેમણે કહ્યું હતું. સામે પક્ષે ચૌધરીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવાને નાતે તેઓ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો ભાગ છે.