મુકેશ અંબાણી પાસે ખંડણી માગનાર આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકની ધરપકડ થઈ છે. પોલીસે તેલંગાણાથી એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેણ ત્રણ-ત્રણ વાર અંબાણીને મેઇલ કર્યા હતા. એ મેઇલમાં તેણે ખંડણીની માગી હતી.  

આ આરોપીની ઓળખ ગણેશ રમેશ તરીકે થઈ છે, જેણે ઓળખ બદલીને મુકેશ અંબાણીને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. તેણે ખુદને શાદાબ ખાન જણાવ્યો હતો. અને તેણે સૌથી પહેલો મેસેજ 27 ઓક્ટોબરે અંબાણીને મોકલ્યો હતો. એ મેસેજમાં તેણે લખ્યું હતું કે જો રૂ. 20 કરોડ નહીં આપવામાં આવે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. તેણે મેઇલમાં લખ્યું હતું કે તેની પાસે સારા શૂટર છે.

ત્યાર બાદ તેણે બીજા મેઇલમાં ઉદ્યોગપતિ પાસે રૂ. 200 કરોડની ખંડણી માગી હતી. એ પછી તેને 30 ઓક્ટોબરે ત્રીજો ધમકીભર્યો મેઇલ મોકલીને રૂ. 400 કરોડની માગ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની આજે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને આઠ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે કેટલાક કિશોરો દ્વારા શરારત કરવામાં આવી છે. હાલમાં અમારી તપાસ ચાલી રહી છે અને અમે મામલાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. મુકેશ અંબાણીને કુલ ત્રણ ઇમેલ મળ્યા હતા, જેમાં તેમની પાસેથી કુલ રૂ. 400 કરોડની ખંડણીની માગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી કંઈ કરે તે પહેલા જ તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.